મયૂર ગુ્રપ પરના દરોડા પાંચ દિવસે પૂરા : ૧૫૦ કરોડની કરચોરી પકડાઈ

નવી દિલ્હી : મયૂર ગુ્રપ પર આવકવેરા ખાતાના દરોડા પાંચ દિવસ પછી ખતમ  થયા. દરોડા દરમિયાન ૧૮ કિલો સોનું, ૫૦ કિલો ચાંદી, ૩.૫ કરોડ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે મયૂર ગુ્રપમાં લગભગ દોઢસોની કરચોરી સામે આવી છે. હાલમાં જપ્ત કરવામાં આવેલા લેપટોપ અને કમ્પ્યુટરમાંથી લેવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. તપાસ પૂરી થયા પછી કરચોરીનો આંકડો વધી શકે છે.

આ પહેલા ડીઆરઆઇએ પણ ગુ્રપના માલિક સામે સો કરોડ રુપિયાથી વધુ રકમની કરચોરીને લઈને કાર્યવાહી કરી હતી.

દેશની સૌથી મોટી વનસ્પતિ ઘી ઉત્પાદક કંપની મયૂર ગુ્રપને ત્યાં કાનપુર સહિત સમગ્ર દેશમાં કેટલાય ઠેકાણે દરોડા પડયા હતા. આ દરોડા દરમિયાન જુદા-જુદા સ્થળોએથી ૧૮ કિલો સોનું, ૫૦ કિલો ચાંદી અને ૩.૭ કરોડ રુપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

મયુર ગુ્રપ પર ઇન્કમ ટેક્સના દરોડામાં સામેલ અધિકારીએ જણાવ્યું હતું કે પાંચ દિવસની તપાસમાં ૪૦૦ કરોડ રુપિયાની આવક પર ૧૦૦ કરોડ રુપિયાની કરચોરીની ખબર પડી છે. તેની સાથે સાફ્ટાનો ભંગ કરવા બદલ ૫૦ કરોડ રુપિયાની ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે. બનાવટી કંપનીઓ દ્વારા લગભગ ૨૦ કરોડ રુપિયાનું દેવુ અને આવકવેરા રિટર્ન દાખલ કર્યો ન હોય તેવા ૨૨ કરોડ રુપિયાથી વધુ રકમના કારોબારનો પણ ખુલાસો કર્યો છે. 

બિઝનેસ અને પ્રોપર્ટીના દસ હજારથી વધારે દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. ગુ્રપના ડિરેક્ટરોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આવકવેરા અધિકારીઓના જણાવ્યા મુજબ મયુર ગૂ્રપે મોટાપાયા કરચોરી કરી છે. 

લેપટોપ અને કમ્પ્યુટર માટે લેવામાં આવેલા ડેટાને ક્લોન કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. દરોડામાં એઆઇનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આવકવેરાની ૫૦ ટીમોએ મયૂર ગુ્રપના મુંબઈ, દિલ્હી, દેવાસ અને ઇન્દોર સહિત ૩૫ સ્થળોએ દરોડા પાડયા હતા. ચાર વર્ષમાં ગુ્રપ સામે આ ત્રીજી વખત મોટી કાર્યવાહી થઈ છે.