માયાવતીની બસપાએ ૬ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, બ્રાહ્મણ-મુસ્લિમ પર દાવ લગાવ્યો

લખનૌ, માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (બસપા)એ લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારોની નધુ એક યાદી જાહેર કરી છે. બસપાની આ યાદીમાં કૈસરગંજ, ગોંડા, ડુમરિયાગંજ, સંત કબીરનગર, બારાબંકી, આઝમગઢ બેઠકથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કૈસરગંજ બેઠક પરથી નરેન્દ્ર પાંડેયને ઉમેદવાર બનાવ્યા છે તો બીજી તરફ આઝમગઢથી ઉમેદવાર બદલી નાખ્યા છે. લખનઉ પૂર્વ બેઠક પરથી પેટા ચૂંટણીમાં પાર્ટીએ આલોક કુશવાહાને ટિકિટ આપી છે.

બસપાએ ગોંડા લોક્સભા બેઠક પરથી સૌરભ કુમાર મિશ્રા, ડુમરિયાગંજ બેઠક પરથી મોહમ્મદ નદીમ મિર્ઝા અને સંત કબીરનગર બેઠક પરથી નદીમ અશરફને ટિકિટ આપી છે. પાર્ટીએ અનુસૂચિત જાતિ માટે અનામત બારાબંકી બેઠક પરથી શિવકુમાર દોહરે અને આઝમગઢ બેઠક પરથી મશહૂદ અહેમદને ઉમેદવાર જાહેર કર્યા છે.

બસપા દ્વારા જાહેર કરવામાં આવેલી ૬ ઉમેદવારોની યાદીમાં ત્રણ મુસ્લિમ ચેહરા છે. પાર્ટીએ બે બ્રાહ્મણો પર પણ દાંવ લગાવ્યો છે. એક અનામત બેઠક પરથી પાર્ટીએ અનુસૂચિત જાતિના ઉમેદવારને પણ ટિકિટ આપી છે. બસપા ઉમેદવારની આ ૧૧મી યાદી છે. આ અગાઉ પાર્ટી ૧૦ યાદી જાહેર કરીને ૭૫થી વધુ બેઠકો પર ઉમેદવારોના નામ એલાન કરી ચૂકી છે.

બસપાએ આઝમગઢ લોક્સભા બેઠક પરથી બીજી વખત પોતાના ઉમેદવાર બદલ્યા છે. બસપાએ આ બેઠક પરથી અગાઉ પોતાના પૂર્વ પ્રદેશ અયક્ષ ભીમ રાજભરને ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં પાર્ટીએ ભીમને સલેમપુર લોક્સભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી અને આઝમગઢ બેઠક પરથી શબીહા અન્સારીને ઉમેદવાર જાહેર કરી દીધા અને હવે મશહૂદ અહેમદને ટિકિટ આપી દીધી છે.

શબીહા અન્સારી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે. આ બેઠક પરથી ભાજપે ફરી દિનેશલાલ યાદવ નિરહુઆને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે સમાજવાદી પાર્ટીએ ધર્મેન્દ્ર યાદવને ટિકિટ આપી છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં આ બેઠક પરથી સપા પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.