જુઆરેજ,
અહીં એક જેલમાં કેટલાક હુમલાખોરોએ ગોળીબાર કરતા ૧૦ સુરક્ષા કર્મી અને ૪ કેદીઓ સહિત ૧૪ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૧૩ જેટલા લોકો ઘાયલ થયા હતા. જ્યારે ૨૪ કેદીઓ આ અથડામણ દરમિયાન જેલમાંથી ભાગી છૂટ્યા હતા. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે હુમલો કોણે કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ સવારે લગભગ ૭ વાગ્યે બખ્તરબંધ વાહનોમાં હુમલાખોરો જેલ પહોંચ્યા હતા અને ફાયરીંગ શરુ કરી દીધું હતું.
અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ ઘટના ત્યારે બની, જ્યારે જેલમાં બંધ કેદીઓને પોતાના પરિવારને મળવાનો સમય હતો. આ સમય દરમિયાન સવારે ૭ વાગ્યે કેટલાક બંદૂકધારી ગાડી લઇને જેલમાં ઘુસી ગયા અને ફાયરીંગ શરુ કરી દીધું હતું.અધિકારીઓના જણાવ્યા મુંજબ જ્યારે ઉપરોક્ત ઘટના બની, તેની કેટલીક મિનિટો પહેલા એક અન્ય સ્થાન પર કેટલાક હથિયારબંધ બદમાશોએ પોલીસ પર હુમલો કર્યો હતો. શહેરની પોલીસે આ ઘટનામાં ચાર બદમાશોનો પીછો કર્યો હતો, જેને બાદમાં ઘેરીને ઠાર કરવામાં આવ્યા હતા.