માત્ર ઈમરાન ખાન જ નહીં, પાકિસ્તાનમાં ૭ પૂર્વ વડાપ્રધાનોની ધરપકડ થઈ ચૂકી છે

  • અગાઉ પણ પાકિસ્તાનમાં સમયાંતરે પૂર્વ વડાપ્રધાનો પર સંકજો ક્સવામાં આવ્યો છે.

નવીદિલ્હી, ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ સમયે તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનમાં રાજકીય ડ્રામો મંગળવારે ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરંતુ પાકિસ્તાનના રાજકારણમાં આ પહેલી વખત નહી બન્યુ જ્યારે દેશના કોઈ પૂર્વ વડા પ્રધાનની આ રીતે ધરપકડ કરવામાં આવી હોય. આ અગાઉ પણ પાકિસ્તાનમાં સમયાંતરે પૂર્વ વડાપ્રધાનો પર સંકજો ક્સવામાં આવ્યો છે.

પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાના નજીકના હુસૈન શહીદ દેશના પાંચમા વડાપ્રધાન હતા. તેઓ સપ્ટેમ્બર ૧૯૫૬થી ઓક્ટોબર ૧૯૫૭ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તેમણે જનરલ અયુબ ખાનની સરકારને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ઇલેક્ટોરલ બોડીઝ ડિસક્વોલિફિકેશન ઓર્ડર દ્વારા તેમના પર રાજનીતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં જુલાઈ ૧૯૬૦માં કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ઓગસ્ટ ૧૯૭૩ થી જુલાઈ ૧૯૭૭ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ૧૯૭૪માં રાજકીય હરીફની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં સપ્ટેમ્બર ૧૯૭૭માં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં લાહોર હાઈકોર્ટના જસ્ટિસ ખ્વાજા મોહમ્મદ અહમદ સમદાનીએ તેમને એમ કહીને મુક્ત કર્યા કે તેમની ધરપકડનો કોઈ આધાર નથી. પરંતુ માર્શલ લો રેગ્યુલેશન ૧૨ હેઠળ ત્રણ દિવસ બાદ તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ૪ એપ્રિલ ૧૯૭૯ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

બેનઝીર ભુટ્ટો બે વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. તેઓ પહેલી વખત ડિસેમ્બર ૧૯૯૮થી ઓગસ્ટ ૧૯૯૦ અને બીજી વખત ઓક્ટોબર ૧૯૯૩થી નવેમ્બર ૧૯૯૬ સુધી દેશની વઝીર-એ-આઝમ હતા. તેઓ તેમના ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા ઓગસ્ટ ૧૯૮૫માં પાકિસ્તાન આવ્યા હતા. પરંતુ તેમને ૯૦ દિવસ સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. આગલા વર્ષે ૧૯૮૬માં સ્વતંત્રતા દિવસના અવસર પર કરાચીમાં એક રેલીમાં સરકારની ટીકા કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૦૭માં દેશમાં પરત ફર્યા બાદ આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી.

યુસુફ રઝા ગિલાની ૨૦૦૮માં ગઠબંધન સરકારના વડાપ્રધાન હતા. ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમના પર નકલી કંપનીઓના નામે પૈસાની લેવડદેવડ કરવાનો આરોપ હતો. ૨૦૧૨માં તેમને પદ પરથી હટાવવા પડ્યા હતા.

કારગિલ યુદ્ધ બાદ નવાઝ શરીફને ૧૯૯૯માં સત્તા ગુમાવવી પડી હતી. તેઓ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. પરવેઝ મુશર્રફ સરકાર દરમિયાન નવાઝ શરીફને દસ વર્ષ માટે દેશનિકાલ કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાન પરત ફર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને દેશનિકાલ માટે સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા હતા.

શાહિદ ખાકાન અબ્બાસી જાન્યુઆરી ૨૦૧૭ થી મે ૨૦૧૮ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. જુલાઈ ૨૦૧૯મા એનએબી ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ૨૦૧૩ના એલએનજી ઈમ્પોર્ટ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ હતો. તેમને ફેબ્રુઆરી ૨૦૨૦માં જામીન મળ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ૯ મે ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. NAB અને પાક રેન્જર્સ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ તેમના સમર્થકોએ ઘણા શહેરોમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી.