માત્ર ક્રિમિનલ કેસ નોંધાઈ જવાથી અધિકારોને છીનવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના આદેશમાં કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધાવાથી તેને તેના અધિકારોથી વંચિત ન રાખી શકાય. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ ના એક કોન્સ્ટેબલ ભરતી ઉમેદવારની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, જો ઉમેદવાર કોઈ ક્રિમિનલ મામલે નિર્દોષ છૂટી ગયો છે તો માત્ર એટલા માટે નોકરીમાં નિમણૂકથી ઈનકાર ન કરી શકાય કે, તેના પર પર કેસ ચાલ્યો હતો.

મધ્યપ્રદેશ ના એક કેસમાં સુપ્રીમ કોર્ટે કોન્સ્ટેબલની ભરતીના એવા જ એક ઉમેદવારની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો જેની ઉમેદવારી એ આધાર પર નકારી કાઢવામાં આવી હતી કે તેને હાઈકોર્ટમાંથી આ મામલે રાહત નથી મળી. ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. પ્રમોદ સિંહ કિરાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, વર્ષ ૨૦૧૩માં કોન્સ્ટેબલની ભરતીમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ૨૦૦૧ માં નોંધાયેલા દહેજ ઉત્પીડન કેસના આધારે તેની પાત્રતા નકારી કાઢવામાં આવી હતી. જ્યારે ૨૦૦૬માં જ તેને કરારના આધારે કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના અનેક નિર્ણયોથી સતત સામાન્ય જનતાના અધિકારોની રક્ષાની જરૂરિયાતને દિશા આપવાનું કામ કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ઉઠાવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિકલાંગોને પડતી સમસ્યાઓ અંગે નિષ્ણાતોની મદદથી ઓડિટ કરાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે સુપ્રીમ કોર્ટે એક જજની અધ્યક્ષતા એક કમિટિનું પણ ગઠન કર્યું છે. આ કમિટિને સવાલોનું એક લિસ્ટ તૈયાર કરી સુપ્રીમ કોર્ટના વકીલો, ક્લાઈન્ટ,તાલીમાર્થીઓનું પણ ફીડબેક લેવાનું કામ સોંપવામાં આવ્યું છે.