પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪નું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે. જેના માટે ભારતીય ખેલાડીઓ તૈયાર છે. ઓલિમ્પિકની શરુઆત ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે.આ વખતે ભારતના ૧૧૧ ખેલાડી આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. રમતના મેદાનમાં ચાહકો હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકકર જોવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે વાત ઓલિમ્પિકની આવે તો પાકિસ્તાનના ખેલાડી ભારત સામે દુર દુર સુધી જોવા મળતા નથી. ભારત ઓલિમ્પિકમાં પાકિસ્તાનથી આગળ છે.
ભારતે પહેલી વખત ૧૯૦૦માં ભાગ લીધો હતો. ઓલિમ્પિકમાં ભારતે અત્યારસુધી ૩૫ મેડલ જીત્યા છે, જેમાં ૧૦ ગોલ્ડ, ૯ સિલ્વર મેડલ અને ૧૬ બ્રોન્ઝ મેડલ સામેલ છે. જેમાં સૌથી વધુ ૮ ગોલ્ડ મેડલ ભારતની હોકી ટીમે જીત્યા છે. ભારતે અત્યારસુધી ૨૫ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે. જેમાંથી ૯ ઓલિમ્પિકમાં ખાતું ખોલ્યું છે. તો ૧૯૨૦,૧૯૨૪,૧૯૭૬,૧૯૮૪,૧૯૮૮ અને ૧૯૯૨ ઓલિમ્પિકમાં ભારતને એક પણ મેડલ મળ્યો ન હતો.
છેલ્લી વખત ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીએ ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા ૭ મેડલ પોતાને નામ કર્યા હતા. અત્યારસુધી ઓલિમ્પિક રમતમાં આ ભારતીય ખેલાડીનું શાનદાર પ્રદર્શન હતુ. આ પહેલા લંડનમાં ભારતના નામે કુલ ૬ મેડલ હતા, પરંતુ ભારતીય ખેલાડીઓની નજર આ વખતે રોકર્ડ તોડવા પર હશે. વધુમાં વધુ મેડલ દેશના નામે કરવા માગશે.
જો પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનનો ઓલિમ્પિકમાં ખરાબ હાલ છે. પાકિસ્તાન ૧૯૪૮થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે. તેમને પહેલો મેડલ ૧૯૫૬માં ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ત્યારથી લઈ અત્યારસુધી માત્ર ૧૦ ઓલિમ્પિક મેડલ જીત્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, પાકિસ્તાને ઓલિમ્પિકમાં છેલ્લો મેડલ ૨૯ વર્ષ પહેલા એટલે કે, ૧૯૯૨માં જીત્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાન ઓલિમ્પિક મેડલની રાહ જોઈ રહ્યું છે.ભારત પેરિસ ગેમ્સમાં ૧૦૦ થી વધુ ખેલાડીઓની ટીમ મોકલી રહ્યું છે, જેમાંથી ૩૦ ખેલાડીઓ એથ્લેટિક્સમાં ભાગ લેશે, હવે જોવાનું રહેશે કે, ભારતના ખાતમાં કેટલા ઓલિમ્પિક મેડલ આવે છે.