- ફિન્ચના નામે ટી ૨૦માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે ઝિમ્બાબ્વે સામે હરારે ખાતે ૨૦૧૮માં ૭૬ બોલમાં ૧૭૨ રન ફટકાર્યા હતા.
મુંબઇ,
ક્રિકેટમાં ભારત સહિત ઘણી ટીમે રમતી આવી છે. ઘણી ટીમોએ વર્લ્ડ કપ પણ જીત્યા છે. પણ જો એમ કહેવામાં આવે કે ક્રિકેટ વર્લ્ડ પર લાંબો સમય કોઈ એક ટીમે રાજ કર્યું હોય તો તેમાં સૌથી પહેલું નામ ઓસ્ટ્રેલિયાનું આવશે. કારણકે, વર્લ્ડ ચેમ્પિયન કહેવાતા વેસ્ટઈન્ડિઝને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટમાં ઘણાં માઈલસ્ટોન પોતાના નામે કરેલાં છે. ત્યારે તેમના દરેક ખેલાડીઓ પણ એટલાં જ જોરદાર છે. આવા જ એક જોરદાર ખેલાડીએ ક્રિકેટને કહી દીધું છે અલવિદા. અહીં વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયન ટી-૨૦ ટીમના કેપ્ટન ઓરોન ફિન્ચની. માત્ર ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા રાખતા આ ખેલાડીએ અચાનક કેમ લઈ લીધો ક્રિકેટમાંથી સન્યાસ સૌ કોઈ માટે મોટો સવાલ…
ફિન્ચની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા પહેલીવાર આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યું હતું. ફિન્ચે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ઓવરઓલ ૨૫૪ ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું, જેમાં ૫ ટેસ્ટ, ૧૪૬ વનડે અને ૧૦૩ ટી ટવેન્ટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ફિન્ચે ૭૬ ટી ૨૦ અને ૫૫ વનડેમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરી હતી.
૩૬ વર્ષીય ફિન્ચે કહ્યું કે, “મને ખ્યાલ છે કે હું ૨૦૨૪ના ટી ૨૦ વર્લ્ડ કપ વખતે રમતો નહીં હોઉં, તેથી આ જ યોગ્ય સમય છે નિવૃત્તિ જાહેર કરવાનો અને અન્યને તક આપવાનો. મને આશા છે કે, ટીમ યોગ્ય રીતે આગામી વર્લ્ડ કપ માટે તૈયાર થઈ શકશે. હું તમામ ફેન્સનો આભાર માનવા માગું છું, જેમણે મારા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન મારો સાથ આપ્યો અને સતત મને સપોર્ટ કરતા રહ્યા.”
ફિન્ચના નામે ટી ૨૦માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે ઝિમ્બાબ્વે સામે હરારે ખાતે ૨૦૧૮માં ૭૬ બોલમાં ૧૭૨ રન ફટકાર્યા હતા. આ દરમિયાન ૧૦ ફોર અને ૧૬ સિક્સર ફટકારી હતી. એ ઇનિંગ્સ દરમિયાન ફિન્ચે પોતાનો જ એક ઇનિંગ્સમાં સર્વાધિક રનનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે ૨૦૧૩માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથહેમ્પટન ખાતે ૧૫૬ રન બનાવ્યા હતા. હાલ આ ઇનિંગ્સ ઓલટાઈમ એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનની સૂચિમાં ત્રીજા સ્થાને છે.
નોંધનીય છે કે, ફિન્ચે પોતાનું T20 ડેબ્યુ જાન્યુઆરી ૨૦૧૧માં ઇંગ્લેન્ડ સામે કર્યું હતું. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે બાદ ફિન્ચ ઘરઆંગણે કાંગારુંને T20 વર્લ્ડ ટાઇટલ ડિફેન્ડ કરાવવામાં નિષ્ળ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે હતી, જેમાં તેણે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ૬૩ રન બનાવ્યા હતા. જો કે, તેમ છતાં ટીમ સેમિફાઇનલમાં ક્વોલિફાય થઈ શકી નહોતી.