અમદાવાદ, રાજયની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ઘટ, અછત અને પગારધોરણ તથા કામકાજના મુદ્દે થયેલી રિટને હાઈકોર્ટે જાહેર હિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે કેસની સુનાવણીમાં બુધવારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ પી. માયીની ખંડપીઠે રાજય સરકારને આદેશ કર્યો છે કે, ’રાજયની ૯૩૩ આનમ શાળાની માળખાગત સુવિધાઓ, દરેક વર્ગ મુજબ છાત્રોની સંખ્યા, છાત્રોનો ડ્રોપ આઉટ રેશિયો, ડ્રોપ લેવાના કારણો, છાત્ર-શિક્ષકનો રેશિયો, શિક્ષકોની સંખ્યા અને નોન ટીચિંગ સ્ટાફ સહિતની તમામ માહિતી સોગંદનામા ઉપર રજૂ કરવામાં આવે’.
ખંડપીઠે એવો સવાલ પણ સરકારને કર્યો હતો કે, ’જો એક શાળામાં ૧૫૦ છાત્ર હોય અને શિક્ષકોનો રેશિયો ૧/૨૫ હોય તો પાંચથી છ શિક્ષક એક શાળામાં થાય તો આટલા શિક્ષકો છાત્રોને ભણાવવા ઉપરાંતના વહીવટી કામકાજ કઈ રીતે કરી શકે? કેસની સુનાવણી બીજી એપ્રિલે રાખવામાં આવી છે.
હાઈકોર્ટે એક પ્રસ્તાવિત આદેશમાં સરકારને કહ્યું હતું કે, ’આ રિટ પિટિશનને ૧-૭-૨૦૧૧ના આદેશ અન્વયે જાહેરહિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ કાયદાની અમલવારી બાદ રાજય સરકારની ફરજ છે કે તેઓ માજનલ સેકશનના બાળકોને ફ્રી અને ફરજિયાત શિક્ષણ પૂરૂં પાડે. જયારે આ શિક્ષણ પુરૂં પાડવામાં આવે ત્યારે શિક્ષણની પ્રક્રિયા પણ યોગ્ય હોવી જોઈએ.
રાજય સરકારે સોગંદનામું કર્યું છે કે ત્રણ વિભાગો આશ્રમ શાળાનું વહીવટ કરે છે અને એ સરકારી ઠરાવના આધારે હોય છે, પરંતુ અમારા મતે એ સાચું નથી. જોકે, અમે કોઈ અવલોકન હાલના તબકકે કરતાં નથી’. ખંડપીઠે નોંયું હતું કે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો ૧/૪૫ હોવાનું અમારી સમક્ષ સરકારે કહ્યું હતું. પરંતુ એ સાચું નથી. રાજય સરકારે વધારાનું સોગંદનામું કર્યું છે અને આ રેશિયોમાં સુધારો થયો હોવાનું જણાવ્યું છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો ૧/૨૫ થઈ ગયો છે.
રાજયમાં ૯૩૩ આશ્રમ શાળાઓ છે અને એક શાળામાં ધો.૧થી ધો.૮ના વિદ્યાર્થીઓ હોય છે અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શું પાંચ કે છ શિક્ષકો જ હોય છે. જો વર્ગ મુજબ શિક્ષકો ન હોય તો શું થાય એ અમારો પ્રશ્ર્ન છે.