મુંબઇ, છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટમાં સૌથી મોટી ચર્ચા અફઘાનિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણીને લઈને થઈ રહી છે. તેનું કારણ છે આ વર્ષે યોજાનાર ટી ૨૦ વર્લ્ડ કપ અને તે પહેલા ભારતની ટી ૨૦ ફોર્મેટમાં છેલ્લી ઈવેન્ટ છે. પરંતુ ભારતીય ટીમ માટે ખરો પડકાર ૨૫ જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થવા જઈ રહ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડ સામે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. જેના માટે ઈંગ્લેન્ડ છેલ્લા કેટલાક દિવસોથી તૈયારી કરી રહ્યું છે પરંતુ ટીમ ઈન્ડિયાની તૈયારી ૩ દિવસ પછી શરૂ થશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી ૨૦ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે છતાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર બેટ્સમેન અંતિમ મેચમાં રમશે તે નિશ્ર્ચિત છે. કારણ કે રોહિત છેલ્લી બે મેચમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો, જ્યારે વિરાટ માત્ર એક જ મેચ રમ્યો હતો. સિરીઝ પૂરી થયા બાદ ટેસ્ટ સિરીઝની તૈયારીઓ શરૂ થશે.
કોહલી અને રોહિત સિવાય આ ટી ૨૦ સિરીઝમાં કેટલાક એવા ખેલાડી છે જે ટેસ્ટ સિરીઝની ટીમનો ભાગ છે. આ ટીમમાંથી શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મુકેશ કુમાર અને આવેશ ખાન પણ ટેસ્ટ શ્રેણીમાં રમવા જશે. આવી સ્થિતિમાં ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને ટૂંકો બ્રેક આપવાનો નિર્ણય કર્યો છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર,ટી ૨૦ સિરીઝ બાદ ટેસ્ટ ટીમના ખેલાડીઓ પોતપોતાના ઘરે જશે અને ૨ દિવસ આરામ કરશે.
ટી ૨૦ સિરીઝ બાદ ઈંગ્લેન્ડને હરાવવાની તૈયારીઓ શરૂ થઈ જશે. શ્રેણીની પ્રથમ મેચ ૨૫ જાન્યુઆરીથી હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં રમાશે. આથી ટીમ ઈન્ડિયા પણ હૈદરાબાદમાં કેમ્પ કરશે. રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટે ટેસ્ટ ટીમના ખેલાડીઓને ૨૦ જાન્યુઆરીએ હૈદરાબાદમાં એસેમ્બલ થવા માટે કહ્યું છે. આ પછી ૨૧ જાન્યુઆરીથી ૪ દિવસીય ટ્રેનિંગ કેમ્પ શરૂ થશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે ટીમ ઈન્ડિયા કોઈ ઈન્ટ્રા-સ્કવોડ પ્રેક્ટિસ મેચ રમશે કે નહીં. ટીમમાંથી માત્ર વિરાટ કોહલી ૨૨ જાન્યુઆરીએ ઉપલબ્ધ રહેશે નહીં કારણ કે તે અયોયામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે.
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ હજુ શરૂ થઈ નથી, પરંતુ ઈંગ્લેન્ડની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેન સ્ટોક્સની કપ્તાનીવાળી ટીમ અબુ ધાબીમાં ૧૦ દિવસના ટ્રેનિંગ કેમ્પમાં વ્યસ્ત છે. ૨૦૨૨માં પાકિસ્તાનના પ્રવાસ પહેલા પણ ઈંગ્લેન્ડે અબુ ધાબીમાં પ્રેક્ટિસ કરી હતી. જેના કારણે તેમને શ્રેણીમાં ફાયદો થયો હતો. આ જ આશા સાથે ઈંગ્લિશ ટીમ પરસેવો પાડી રહી છે. ત્યારબાદ ૨૧મી જાન્યુઆરીએ ઈંગ્લિશ ટીમ હૈદરાબાદ પહોંચશે.