શાહરુખ ખાનનું ડેઇલી રૂટીન સાંભળીને આશ્ર્ચર્ય લાગશે, કેમ કે તે માત્ર ૪-૫ કલાકની ઊંઘ લે છે અને દિવસમાં માત્ર એક જ ટાઇમ જમે છે. તેનું કહેવું છે કે જ્યારે ઑસ્કર અવૉર્ડ વિનર અમેરિકન ઍક્ટર માર્ક વૉલબર્ગ જાગે છે ત્યારે તે ઊંઘે છે. પોતાની લાઇફસ્ટાઇલ વિશે શાહરુખ કહે છે, ’હું સવારના પાંચ વાગ્યે ઊંઘું છું. એ વખતે માર્ક વૉલબર્ગ જાગે છે.ત્યાર બાદ જો હું શૂટિંગ કરતો હોઉં તો પાછો ૯ કાં તો ૧૦ વાગ્યે જાગી જાઉં છું. રાતે બે વાગ્યે ઘરે આવું છું, નહાઉં છું અને વર્કઆઉટ કરીને સૂઈ જાઉં છું.’
શાહરુખની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ઝીરો’ હતી. ત્યાર બાદ તે કોઈ ફિલ્મમાં નહોતો દેખાયો. લાંબા બ્રેક બાદ તે ગયા વર્ષે ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ લઈને આવ્યો હતો, જે ખૂબ હિટ રહી. એ પહેલાં લૉકડાઉનમાં તે શું કરતો હતો એ વિશે ૫૮ વર્ષનો શાહરુખ કહે છે, ‘એ વખતે ૫૫ વર્ષની ઉંમરે મેં આરામ કર્યો હતો. મહામારી દરમ્યાન કાંઈ કામ નહોતું અને એથી હું બધાને કહેતો કે ઇટાલિયન કુકિંગ શીખો અને વર્કઆઉટ કરો. હું વર્કઆઉટ કરતો અને મેં બૉડી બનાવી. ચાર વર્ષ બાદ લોકો મને મિસ કરવા લાગ્યા હતા. એ પહેલાં તો હું દરેકના યાનમાં હતો.’
ટેલિવિઝન સિરિયલ ‘ફૌજી’થી ઍક્ટિંગની શરૂઆત કરનાર શાહરુખ ખાન આજે દેશ-વિદેશમાં ફેમસ છે. તેણે બૉલીવુડમાં ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘દીવાના’થી એન્ટ્રી કરી હતી. ત્યાર બાદથી તેની જર્ની ચાલી રહી છે. એ દરમ્યાન અનેક યાદગાર ફિલ્મો આપવાને કારણે અનેક અવૉર્ડ્સથી પણ તેને નવાજવામાં આવ્યો છે. એ લગભગ ૩૦૦ અવૉર્ડ્સ છે જેને શાહરુખે પોતાની ૯ ફ્લોર ની ઑફિસમાં ગોઠવ્યા છે.
ઇન્ટરનૅશનલ અવૉર્ડ શોમાં ભારતીય સિનેમાને સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે તે ખૂબ સંભાળીને બોલે છે. એ વિશે શાહરુખ કહે છે, ‘મારે સારું વર્તન કરવાનું હોય છે. સાથે જ મારે મારી સેન્સ-ઑફ-હ્યુમર પર પણ નિયંત્રણ રાખવાનું હોય છે.’ પોતાના અવૉર્ડ્સને ક્યાં રાખ્યા છે એ વિશે શાહરુખ કહે છે, ‘મારી પાસે ૩૦૦ અવૉર્ડ્સ છે. મારી પાસે ૯ ફ્લોર ની ઑફિસ છે અને દરેક ફ્લોર પર મેં કેટલાક અવૉર્ડ્સ રાખ્યા છે. ખરેખર તો ટ્રોફી રૂમ નથી. એક લાઇબ્રેરી છે જેને ઇંગ્લિશ લાઇબ્રેરીની જેમ ડિઝાઇન કરવામાં આવી છે.’