મુંબઈ,
લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુના સમાચારે બધાને આઘાતમાં મૂકી દીધા છે. ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલનું મુખ્ય પાત્ર ભજવનાર તુનિષા શર્મા ૨૪ ડિસેમ્બરે શોના સેટ પર મૃત હાલતમાં મળી આવી હતી. મંગળવારે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, તુનિષા તેના પરિવારની એકમાત્ર સભ્ય હતી જે કમાતી હતી. પુત્રીના મૃત્યુ બાદ તેની માતા સાવ ભાંગી પડી હતી.
તુનિષાની માતાએ તેના કો-એક્ટર શીઝાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ અનુસાર, તુનિષા પોતાની પાછળ ૧૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી અને એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છોડી ગઈ છે. તુનિષાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. પોતાના કરિયરના શરૂઆતના દિવસો વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ’ઈન્ટરનેટ વાલા લવ શોમાં અભિનય કરતા પહેલા જ હું તણાવમાં હતી. હું નાનપણથી જ કામ કરું છું અને મેં નાની ઉંમરે મારા પિતાને ગુમાવી દીધા છે.
આ દરમિયાન, અભિનેતા શીઝાન ખાને આરોપોને નકારી કાઢ્યા છે કે, તે મૃત અભિનેત્રી સાથેના સંબંધમાં હતો ત્યારે તે ઘણી છોકરીઓને ડેટ કરતો હતો. મંગળવારે, વાલીવ પોલીસે જણાવ્યું હતું કે, ખાન વારંવાર તેના નિવેદનો બદલી રહ્યો છે અને તેણે તેના અલી બાબા દાસ્તાન-એ-કાબુલ સહ-અભિનેતા સાથે શા માટે બ્રેકઅપ કર્યું, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. ૨૪ ડિસેમ્બરે ટીવી સિરિયલના સેટ પર તુનિષાની લાશ વોશરૂમમાં લટક્તી હાલતમાં મળી આવી હતી. મૃતક અભિનેત્રીની માતાએ દાવો કર્યો છે કે, શીઝાન તુનિષા સાથે છેતરપિંડી કરતો હતો. તુનિષાની માતાના નિવેદનના આધારે FIR નોંધવામાં આવી હતી અને અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. શીઝાન છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં છે અને અમે આરોપીની સતત પૂછપરછ કરી રહ્યા છીએ, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા અધિકારીની સામે પૂછપરછ દરમિયાન શીઝાન ભાંગી પડ્યો હતો. જ્યારે વાલિવ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ અધિકારી આરોપીની પૂછપરછ કરવા પહોંચી તો તે રડવા લાગ્યો હતો. સતત બે દિવસ સુધી તે તુનિષા સાથે બ્રેકઅપ વિશે અલગ-અલગ થિયરી જણાવતો રહ્યો, પરંતુ જ્યારે એક મહિલા અધિકારીએ તેને પૂછપરછ કરી તો તે રડવા લાગ્યો હતો.