માથાફરેલ પાડોશીએ ૨ બાળકોને કુહાડી વડે કાપી નાખ્યા, આરોપીનું પણ એન્કાઉન્ટર થઈ ગયું

બદાયૂ,ઉત્તર પ્રદેશના બદાયૂમાં સ્થાનિક સિવિલ લાયન્સ વિસ્તારના મંડી સમિતિ ચોકી વિસ્તારમાં મંગળવારે પાડોશીએ ત્રણ બાળકો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં ૨ બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાયેલી છે. બાળકોના મોતથી આક્રોશિત થયેલી જનતાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ બાજુ આરોપી પાડોશી સૈલૂન ચલાવતો હોવાનું કહેવાય છે. જે ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે જ્યારે તેનો ઘેરાવ કર્યો તો, તેણે હુમલો કરી દીધો. જવાબી કાર્યવાહીમાં પોલીસે એન્કાઉન્ટર કરતા તેને મારી નાખ્યો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

ડીએમ અને એસપી કેટલાય પોલીસ સ્ટેશનની ફોર્સ લઈને અધિકારીઓ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. અહીં બરેલી કમિશ્ર્નર સૌમ્યા અગ્રવાલ અને આઈજી રાકેશ કુમાર ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા છે. આ બાજુ બદાયૂ ડીએમ મનોજ કુમારે જણાવ્યું કે, સાંજના સૂચના મળી કે કોઈ આદમીએ ઘરમાં ઘુસીને બે બાળકોના ગળા કાપી નાખ્યા છે. બાળકોની ઉંમર ૧૧ અને ૬ વર્ષ હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાલ આ વિસ્તારમાં તૈનાત કરી દીધા છે.

ડીએમ મનોજ કુમારે કહ્યું કે, શરુઆતી તપાસમાં અમુક તથ્યો સામે આવ્યા છે પણ હાલમાં તપાસ ચાલી રહી છે. અને સટીક જાણકારી મળતા ખુલાસો કરવામાં આવશે. આરોપી વિશે અન્ય વાતોની પણ તપાસ ચાલી રહી છે. તો વળી બાળકોની હત્યા શા માટે કરી, તેનું કારણ શોધી રહ્યા છે. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. અને ટૂંક સમયમાં તેનો ખુલાસો કરી દેવામાં આવશે. તેથી લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામા આવી રહી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની બાબા કોલોનીમાં સલૂન ચલાવતા એક શખ્સે પાડોશીના ઘરમાં ઘુસીને ત્રણ સગા ભાઈઓ આયુષ, યુવરાજ અને આહાન ઉર્ફ હની પર કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં આયુષ જેની ઉંમર ૧૨ વર્ષ અને આહાન ઉર્ફ હની જેની ઉંમર છ વર્ષ છે, તેમના મોત થઈ ગયા છે. જ્યારે એક યુવરાજને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જે ગંભીર રીતે ઘાયલ થયેલ છે.