લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે દેશના શેરબજારમાં ભારે સુનામીએ હાહાકાર મચાવ્યો છે. એક દિવસ અગાઉ, એક્ઝિટ પોલમાં એનડીએની સ્પષ્ટ જીતના સંકેત બાદ બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે (04 જૂન 2024, મંગળવાર), મત ગણતરીના વલણોને કારણે બજાર ખરાબ રીતે તૂટ્યું.
ટ્રેડિંગના અંતે, મુખ્ય સૂચકાંક BSE સેન્સેક્સ 4300થી વધુ પોઈન્ટ ઘટ્યો જ્યારે NSE નિફ્ટી પણ 1300થી વધુ પોઈન્ટ તૂટ્યો.
આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30 શેરો વાળા સેન્સેક્સ 4389.73 પોઈન્ટ અથવા 5.74 ટકાના ઘટાડા સાથે 72,079.05 ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 50 શેર પર આધારિત સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી 1,379.40 પોઈન્ટ અથવા 5.93 ટકાના ઘટાડા સાથે 21,884.50 ના સ્તરે બંધ થયો હતો.
દિવસની શરૂઆતમાં, સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1900 પોઈન્ટથી વધુ લપસી ગયો હતો. તમને જણાવી દઈએ કે આજે બજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 1,544.14 પોઈન્ટ અથવા 2.02 ટકાના ઘટાડા સાથે 74,924.64 ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 491.10 પોઈન્ટ એટલે કે 2.11 ટકાના ઘટાડા સાથે 22,772.80 ના સ્તર પર ખુલ્યો હતો. જણાવી દઇએ કે આ ઘટાડો કોરોના બાદ પહેલો મોટો ઘટાડો છે.
ભારતીય રૂપિયો મંગળવારે 10 પૈસા ઘટીને 83.24 પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો. જ્યારે ગઈકાલે સોમવારે સવારે રૂપિયો પ્રતિ ડૉલર 82.99 પર ખૂલ્યો હતો અને સાંજે 32 પૈસા વધીને 83.14 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.
પ્રી-ઓપનિંગ સેશનની વાત કરીએ તો બેન્ચમાર્ક સૂચકાંકોમાં મજબૂતીથી ટ્રેડિંગ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 661.59 પોઈન્ટ્સ અથવા 0.87 ટકાના વધારા સાથે 77,130.37 પર અને નિફ્ટી 214.60 પોઈન્ટ્સ અથવા 0.92 ટકાના વધારા સાથે 23,478.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ટ્રેડિંગ દિવસે (03 જૂન 2024, સોમવાર) બજાર મજબૂત ગતિ સાથે ખુલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, મુખ્ય સૂચકાંક BSE સેન્સેક્સ 2,082.17 પોઈન્ટ એટલે કે 2.82 ટકાના વધારા સાથે 76,043.48 ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 628.60 પોઈન્ટ એટલે કે 2.79 ટકાના વધારા સાથે 23,159.30 પર ખુલ્યો હતો.
જ્યારે સાંજે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 2507.47 પોઈન્ટ એટલે કે 3.39 ટકા વધીને 76,468.78 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 733.20 પોઈન્ટ એટલે કે 3.25 ટકા વધીને 23,263.90ની સપાટીએ બંધ રહ્યો હતો.