મતગણતરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓની તાલીમ યોજાઈ

  • મત ગણતરી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ પૂર્ણ કરવાની સૂચના આપતા જીલ્લા ચૂંટણી અધિકારી.

નડિયાદ, ખેડા – 17 લોકસભા બેઠક માટે તા. 04 જૂનના રોજ આઈ.ટી.આઈ., પલાણા ખાતે મત ગણતરી યોજાનાર છે. ત્યારે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ન્યાયી અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે મત ગણતરીની પ્રક્રિયાને પારદર્શી બનાવવા હેતુ મત ગણતરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓને મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી. જે અંતર્ગત જીલ્લા પંચાયત નડિયાદ ખાતે માઈક્રો ઓબ્સર્વર અને ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને કાઉન્ટિંગ સુપરવાઇઝર્સ ની તાલીમ યોજાઈ હતી.

જેમાં ઇવીએમ મશીન અને પોસ્ટલ બેલેટ કાઉન્ટીંગ ટ્રેનિંગ બાબતે મોબાઈલ પ્રતિબંધ, એન્ટ્રી, રૂટ, પેપરવર્ક, મશીન હેન્ડલિંગ, રોજકામ સિલ સહિતની કાઉન્ટિંગ પ્રક્રિયા વિશે સરળ સમજૂતી આપવામાં આવી હતી.

કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝા અને કાઉન્ટીંગ ઓબ્ઝર્વર રજનીશ રાય દ્વારા માઈક્રો ઓબ્ઝર્વર તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ઇપકોવાળા હોલ ખાતે કાઉન્ટિંગ સુપરવાઇઝર્સની તાલીમમાં હાજર રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. અમિત પ્રકાશ યાદવે મત ગણતરીની પ્રક્રિયાને પારદર્શિતા અને નિષ્પક્ષ વાતાવરણમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.