મતગણતરી સ્થળના કેમ્પસની 100 મીટરની ત્રિજયામાં મોબાઇલ ફોન સહિતના પ્રત્યાયનના સાધનો પ્રતિબંધિત

  • મતગણતરી કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં.

દાહોદ,

મતગણતરી કેન્દ્રની સુરક્ષા અંગેની સૂચનાઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવી છે. જે સંદર્ભે દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ મતગણતરી સ્થળના કેમ્પસની હદથી આજુબાજુના વિસ્તારમાં આગામી તા. 8 ડિસેમ્બરના રોજ સવારના 6 વાગ્યાથી મતગણતરી પુરી થતા સુધીના સમયગાળા માટે આ મુજબની અમલવારી માટે આદેશ કર્યા છે. મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે યોજાશે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણીના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઇ પણ અનઅધિકૃત વ્યક્તિ મતગણતરી સ્થળના કેમ્પસની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ પ્રકારના તંબુ ઉભા કરી શકશે નહી. કોઇ પણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઇ પણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે કંપાઉન્ડમાં કે મતગણતરી સ્થળના કેમ્પસની 100 મીટરની ત્રિજયાના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

મતગણતરી કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થવું નહીં, સભા બોલાવવી કે ભરવી નહીં, સરઘસ કાઢવું નહીં કે ફટાકડા ફોડવા નહીં. કોઇ પણ વ્યક્તિ મતગણતરી સ્થળના કેમ્પસની 100 મીટરની ત્રિજયાના પ્રતિબંધિત વિસ્તારમાં કે મતગણતરી કેન્દ્રની અંદર કોઇ પણ સ્ફોટક પદાર્થ કે ચીજવસ્તુ લઇ જઇ શકશે નહીં. મતગણતરી કેન્દ્રના 200 મીટર વિસ્તારમાં વાહન પાર્કિગ કરી શકાશે નહીં, મતગણતરી કેન્દ્રની 200 મીટરની બહાર નક્કી કરવામાં આવેલ સ્થળોએ જ વાહન પાર્કીગ કરવાના રહેશે.

મતગણતરી કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા ઓળખકાર્ડ ધરાવતા ઉમેદવાર-ચૂંટણી, એજન્ટ, મતગણતરી એજન્ટ, અધિકારી, કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરનામું મતગણતરી કેન્દ્ર સરકારી ઇજનેરી કોલેજ, દાહોદનાં કેમ્પસની હદથી આજુબાજુના વિસ્તારને લાગુ પડશે. હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા ભરાશે.