અમદાવાદ,દેશમાં ૭ તબક્કામાં લોક્સભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની જાહેરાતની સાથે ચૂંટણી પંચ એક્શનમાં આવી જતું હોય છે. દેશભરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સતત નજર રાખવામાં આવતી હોય છે. આ વખતે પણ ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાંથી રોકડ રકમ, દારૂ, ડ્રગ્સ જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એક અખબારી યાદીમાં આ વિશે માહિતી આપવામાં આવી છે.
વર્ષ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓની સાથે ઇસીઆઈ દેશમાં લોક્સભાની ચૂંટણીનાં ૭૫ વર્ષનાં ઇતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ પ્રલોભનો જપ્તીનાં માર્ગે અગ્રેસર છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ૧૮મી લોક્સભા ચૂંટણી માટે શુક્રવારે પહેલા તબક્કાનું મતદાન શરુ થશે તે પહેલાં જ મનીપાવર વિરુદ્ધ ચૂંટણી પંચની દ્રઢ લડાઈમાં ૪૬૫૦ કરોડ રુપિયા જપ્ત કર્યા છે, જે રેકોર્ડ રુપિયાથી વધુની જપ્તી છે. ૨૦૧૯માં સમગ્ર લોક્સભાની ચૂંટણી દરમિયાન ૩૪૭૫ કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, જપ્તીમાં ૪૫% ડ્રગ્સ અને માદક દ્રવ્યોની છે, જેના પર પંચનું વિશેષ યાન છે. આ જપ્તી વ્યાપક આયોજન, સહયોગ વધારવા અને એજન્સીઓ પાસેથી એકીકૃત નિવારણ કામગીરી, સક્રિય નાગરિકોની ભાગીદારી અને ટેકનોલોજીના મહત્તમ જોડાણ દ્વારા શક્ય બની છે.
રાજકીય નાણાકીય મદદ ઉપરાંત કાળાં નાણાંનો ઉપયોગ અને તેનો સચોટ ખુલાસો, ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં વધુ સાધનસંપન્ન પક્ષ અથવા ઉમેદવારની તરફેણમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડને ખલેલ પહોંચાડી શકે છે. આ જપ્તી ભારતીય ચૂંટણી પંચની લોક્સભાની ચૂંટણીઓને પ્રલોભનો અને ચૂંટણીમાં ગેરરીતિઓથી મુક્ત કરાવવાના તથા સમાન તકને સુનિશ્ર્ચિત કરવાના ભારતીય ચૂંટણી પંચના સંકલ્પનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. સીઈસી શ્રી રાજીવ કુમારે ગયા મહિને મતદાનની જાહેરાત કરતી વખતે મની પાવરને ’૪એમ’ પડકારોમાંના એક તરીકે રેખાંક્તિ કર્યું હતું. ૧૨ એપ્રિલે, સીઈસી રાજીવ કુમારની આગેવાની હેઠળ પંચે ઈસી જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે મળીને ૧૯ એપ્રિલે થનારા પ્રથમ તબક્કાના મતદાનમાં તૈનાત તમામ કેન્દ્રીય નિરીક્ષકોની સમીક્ષા કરી હતી. પ્રલોભન-મુક્ત ચૂંટણી પ્રક્રિયાને સુનિશ્ર્ચિત કરવા માટે ચુસ્તતા, દેખરેખ અને ચકાસણી માટેના મુદ્દા વિચાર-વિમર્શના કેન્દ્રમાં હતા.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે ગુજરાતમાંથી ૧ માર્ચ ૨૦૨૪થી લઈને ૧૩ એપ્રિલ ૨૦૨૪ સુધી ૬ કરોડથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે. તો રાજ્યમાંથી ૨૨ કરોડની કિંમતનો ૭ લાખ લીટરથી વધુ દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પરંતુ સૌથી ચોંકાવનારા આંકડા ડ્રગ્સના છે. એજન્સીઓની કાર્યવાહી દરમિયાન દેશભરમાંથી ૨૦૬૮ કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. પરંતુ આ આંકડામાં સૌથી મોટી વાત છે કે તેમાંથી ગુજરાતમાંથી જ ૪૮૫ કરોડ કરતા વધુ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આખા દેશમાંથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત બાદ વાત કરવામાં આવે તો તમિલનાડુમાં ૨૯૩ કરોડથી વધુ, પંજાબમાં ૨૮૦ કરોડથી વધુ તો મહારાષ્ટ્રમાં ૨૧૩ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.