પાલનપુર,
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આજે ગુજરાતની ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે.ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા વધુ એક ઉમેદવાર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. થરાદના કોંગ્રેસી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો છે. તેઓએ ભાજપના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.
થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાના આક્ષેપ તેઓએ કર્યો છે. ત્યારે મોડી રાત્રે થરાદમાં થયેલા આ હુમલામાં ગુલાબસિંહ ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યાના આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે થરાદમાં મામલો તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ ફેસબુક પર લાઈવ થયા હતા અને હુમલાની માહિતી આપી હતી. જેના બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.
ઉલ્લેખનીય છે કે, થરાદમાં ગુલાબસિંહ અને ભાજપના દિગ્ગજ શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનની આગલી રાતે વાંસદામાં ભાજપા ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો કરાયો હતો, અને તેઓએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.