- વડોદરા શહેર અને જીલ્લામાં 10 વિધાનસભાની બેઠકો પર 5 ડિસેમ્બરે યોજાશે મતદાન
- નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ
- સગર્ભા અને વૃદ્ધો માટે ખાસ વાહનની વ્યવસ્થા કરાશે
વડોદરા શહેર અને જીલ્લામાં આવેલી વિધાનસભાની 10 બેઠકો પર આગામી 5 ડિસેમ્બરનાં રોજ યોજાનાર મતદાન માટે આજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. જીલ્લાની 10 વિધાનસભા બેઠકો પર નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ ચૂંટણીમાં 2590 મતદાન મથકો પૈકી અડધા એટલે કે, 1330 જેટલા મતદાન મથકોનું ઉપર સતત નજર રાખવામાં આવશે.
સગર્ભા અને વૃદ્ધો માટે ખાસ વાહનની વ્યવસ્થા કરાશે
મતદાનના દિવસે સગર્ભાઓ, 80થી વધુની આયુ ધરાવતા વૃદ્ધો, દિવ્યાંગોને મતદાનમાં સરળતા રહે તે માટે અગ્રતા આપવામાં આવશે. આવા મતદારો માટે ખાસ વાહનની વ્યવસ્થા તેમની વિનંતીના આધારે કરવામાં આવી છે. મતદાન મથકમાં મોબાઇલ સાથે પ્રવેશની મનાઇ રહેશે. મતદાર પોતાનો મોબાઇલ ફોન બહાર રાખીને આવે તે અનિવાર્ય છે.
લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે કલેક્ટરની અપીલ
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર તેમજ અધિક નિવાસી કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિએ તમામ મતદારોને લોકશાહીના આ અવસરને સંપૂર્ણ રીતે ઉજવવાની અપીલ કરી છે. અર્બન એપથી એટલે કે એ શહેરી મતદારો જેમને લોકશાહી, મતદાન, મતાધિકાર વિશે સારી રીતે ખબર છે, પરંતુ નિરસતા અને ઉદાસીનતાના કારણે તેઓ મતદાન કરવાનું ટાળે છે. વડોદરા શહેરની બેઠકો કરતા વડોદરા ગ્રામ્યમાં આવેલી વિધાનસભા બેઠકો પર વધારે મતદાન થયું હતું. જેથી આ ચૂંટણીમાં શહેરી મતદારો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.