દાહોદ,
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને જિલ્લામાં તા. 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે જિલ્લામાં આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જરૂરી આદેશો કરાયા છે.
દાહોદ જિલ્લામાં તા. 5 ડિસેમ્બર એટલે કે મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરવો નહી કે પક્ષ/ઉમેદવારના ચૂંટણીના ચિન્હો દર્શાવી શકાશે નહી. નિર્ધારિત મતદાન મથકની 200 મીટરની ત્રિજયાવાળા વિસ્તારની અંદર, ચૂંટણી પંચની સુચના અનુસાર છપાયેલ હોય તે સિવાયની કોઇ પણ ચૂંટણી ઉમેદવાર કે કોઇ પણ પક્ષની વિગતો દર્શાવતી બિનઅધિકૃત કાપલીઓનું મતદારોને વિતરણ કરવું નહીં.
હરીફ ઉમેદવાર, તેમના એજન્ટ અને કાર્યકરના ઉપયોગ સારૂં, મતદાન મથકની 200 મીટરની ત્રિજયાવાળા વિસ્તારથી દુર એક ટેબલ અને બે ખુરશીઓથી વધારે ફર્નિચર ગોઠવવું નહી. મતદાન મથકની 100 મીટરની ત્રિજયાવાળા વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ તેમજ વાહનોએ અવર જવર કરવી નહી.
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ છ વિધાનસભા મતવિભાગમાં મતદાન પુરૂ થવાના સમય પહેલાના 48 કલાક એટલે કે, તા. 3-12-2022 સાંજના 5 વાગ્યાથી જાહેર સભાઓ તેમજ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ પણ મૂકયો છે.
દાહોદ જિલ્લામાં બહારથી ચૂંટણી પ્રચાર/સભા/સરઘસ વગેરે માટે આવેલા વ્યક્તિઓ કે જે આ વિસ્તારનાં મતદાર ન હોય તેઓએ દાહોદ જિલ્લો છોડી દેવાનો રહેશે. આ માટે પોલીસકર્મીઓ દ્વારા ઠેર ઠેર સઘન ચકાસણી કરાશે.
ચૂંટણી સબંધમાં કોઇ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢસે નહી કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહી. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલઇડી અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં કે પ્રચાર પ્રસાર કરી શકાશે નહી.
મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઇ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઇ મનોરંજન કાર્યક્રમ યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઇરાદાવાળી કોઇ પ્રવૃતિ કરશે નહીં. તેમજ પાંચથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવું નહીં. આ જાહેરનામું તા. 3 થી તા. 5 ડિસેમ્બરના રોજ મતદાન ન પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.