માતરમાંથી ટિકિટ કપાતા કમળ છોડીને કેસરીસિંહે પકડ્યું આપનું ઝાડું

અમદાવાદ,
ગત રોજ ભાજપે ૧૬૦ ઉમેદવારની યાદી જાહેર કરી છે . ત્યારથી જેમની ટિકિટ કપાઈ છે તેવા ધારાસભ્યોએ ભાજપ સામે મોરચો માંડયો છે અને આવા નારાજ થયેલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તે પૈકીના ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરી સિંહનું નામ કાપી નાખતા કેસરી સિંહે નારાજગીના સૂર વ્યક્ત કર્યા છે અને કેસરી સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર ગોપાલ ઇટાલિયા સાથેનો ફોટો શેર કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જીત મેળવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ સાથે જ કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં આવા નેતાઓનું પૂર આવ્યું છે. હવે આ યાદીમાં ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું નામ પણ જોડાયું છે. વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં માતરથી પાર્ટીના ધારાસભ્ય કેસરી સિંહને ટિકિટ આપી નથી. તેથી જ કેસરી સિંહ બળવાખોર વલણ બતાવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.કહેવાય છે કે કેસરસિંહ માતરની બેઠક પરથી ઉમેદવારી કરી શકે છે.