
આણંદ, માતરના સંધાણા ગામના હાઈવે પરથી પોલીસે ડભાણ ચોકડીથી ૯ કિમી સુધી પીછો કરી બંધ બોડીની ગાડીમાંથી રૂા. ૧૫.૭૮ લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે ચાલક પોલીસને થાપ આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જવાનો ગતરાત્રે ડભાણ ચોકડી પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે આણંદ તરફથી કોઈ વાહન દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસના જવાનો વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન બંધ બોડીની ગાડી નંબર એચઆર-૫૫, એકે-૮૪૭૯ની આવી પહોંચતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડીનો ચાલક નાકાબંધી તોડીને ભાગ્યો હતો. જેથી પોલીસે ગાડીનો પીછો કર્યો હતો અને લગભગ ૯ કિમી દૂર સંધાણા ગામ પાસેના ઓવરબ્રિજ પરથી આ વાહનને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જો કે પોલીસ પહોંચે તે પહેલાં જ વાહનચાલક ત્યાંથી ભાગવામાં સફળ થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ આદરતા એસએમએલ બંધ બોડીની ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ ૬૦૨૪ નંગ મળી આવ્યા હતા. જેની કિંમત રૂા. ૧૫,૭૮,૦૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે વાહન મળી કુલ રૂા. ૨૫,૭૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ચાલક સામે માતર પોલીસમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.