
ચેન્નાઈ, તમિલનાડુના વેલ્લોરના અલેરી ગામમાં એક ૧.૫ વર્ષની બાળકીને સાપે ડંખ માર્યો હતો. છોકરીના માતા-પિતા અને સંબંધીઓ તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ વિસ્તારમાં ખરાબ રસ્તાની સ્થિતિને કારણે તેઓને મોડું થયું. જેના કારણે રસ્તામાં જ બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
૧૮ મહિનાની બાળકી ધનુષ્કાના માતા-પિતાની ઓળખ વિજય અને પ્રિયા તરીકે થઈ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સમાં ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ખરાબ રસ્તો જોઈને આગળ જવાની ના પાડી અને તેને ગામથી લગભગ ૧૦ કિમી દૂર લઈ ગયો. જેના કારણે માતા-પિતાએ મૃતદેહને પગપાળા ઘરે લઇ જવાની ફરજ પડી હતી.
અગાઉ, ફેબ્રુઆરીમાં તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને ચેન્નાઈથી રાનીપેટને જોડતા રસ્તાની ખરાબ સ્થિતિ વિશે પત્ર લખ્યો હતો. સીએમ સ્ટાલિને દાવો કર્યો હતો કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તેમણે વેલ્લોર, રાનીપેટ, તિરુપત્તુર અને તિરુવન્નામલાઈ જિલ્લા સુધી ટ્રેન દ્વારા જવાનું આયોજન કર્યું હતું.