માતાને પૈસા અને સમય આપવો એ ડોમેસ્ટિક વાયલન્સ નથી : કોર્ટ

નવીદિલ્હી, અહીંની સેશન્સ કોર્ટે મૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારતી એક મહિલાની અરજીને ફગાવી દીધી છે. એમાં અવલોકન કરવામાં આવ્યું છે કે માતાને સમય અને પૈસા આપનાર પુરુષને ડોમેસ્ટિક વાયલન્સ કરતો ગણી શકાય નહીં.

ઍડિશનલ સેશન્સ જજ (દિંડોશી કોર્ટ) આશિષ અયાચિતે આપેલા આદેશમાં કહ્યું હતું કે આરોપો અસ્પષ્ટ છે અને મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બની હોય એવું સાબિત થવા માટે એક પણ પુરાવો નથી.

મહિલા મંત્રાલય (રાજ્ય સચિવાલય)માં સહાયક તરીકે કામ કરે છે. તેણે સંરક્ષણ, નાણાકીય રાહત અને વળતર મેળવવા માટેના આદેશ માટે ઘરેલુ હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ હેઠળ મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી. તેનો આરોપ હતો કે તેના પતિએ તેની માતાની માનસિક બીમારીને છુપાવીને તેની સાથે લગ્ન કર્યાં હતાં અને તેને છેતરી હતી. તેણે જણાવ્યા મુજબ તેનો પતિ સપ્ટેમ્બર ૧૯૯૩થી ડિસેમ્બર ૨૦૦૪ સુધી નોકરી માટે વિદેશમાં રહ્યો હતો. જ્યારે પણ તે રજામાં ભારત આવતો ત્યારે તે તેની માતાને મળવા જતો અને તેને દર વર્ષે ૧૦,૦૦૦ રૂપિયા મોકલતો હતો. તેણે માતાના આંખના ઑપરેશન માટે પણ પૈસા ખર્ચ્યા હતા. જોકે તેનાં સાસરિયાંએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. સામે એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાએ તેને ક્યારેય પોતાના પતિ તરીકે સ્વીકાર્યો નથી અને તેના પર ખોટા આરોપો લગાવ્યા હતા.

મહિલા તથા અન્ય લોકોના પુરાવા રેકૉર્ડ કર્યા પછી મૅજિસ્ટ્રેટ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને કાર્યવાહી દરમિયાન તેને આપવામાં આવેલા વચગાળાના નિર્દેશો અને રાહતોને હટાવી દીધાં હતાં. ત્યાર બાદ મહિલાએ સેશન્સ કોર્ટમાં ફોજદારી અપીલ દાખલ કરી હતી. પુરાવાના અવલોકન પછી સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ સામેના આક્ષેપો અસ્પષ્ટ છે અને તેમણે મહિલા સામે ઘરેલુ હિંસા કરી હોવાનું સાબિત કરવા માટે કંઈ નથી.