મુંબઇ, અભિનેત્રી અને નિર્માતા દિવ્યા ખોસલા કુમારની માતા અનિતા ખોસલાનું ૬ જુલાઈના રોજ નિધન થયું હતું. માતાનો પડછાયો માથા પરથી ગુમાવવાને કારણે અભિનેત્રી ખૂબ ભાંગી પડી છે અને તેણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી જેમાં તેણે પોતાનું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. ત્યાં અનિતા ખોસલાની પ્રાર્થના સભા તાજેતરમાં જ યોજાઈ હતી, જ્યાં પુત્રી દિવ્યા ફરી એકવાર અત્યંત ઉદાસ દેખાઈ રહી હતી.
અભિનેત્રીની માતાની પ્રાર્થના સભાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દિવ્યા ખોસલા તેની દિવંગત માતાના ફોટા પર ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી રહી છે.આ દરમિયાન અભિનેત્રી સફેદ કપડામાં જોવા મળી.
માતાને ગુમાવવાનું દુ:ખ તેના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. કેટલાક દિવસ પહેલા જ દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર માતાના નિધનના સમાચાર શેર કર્યા અને માતા સાથેની જૂની તસવીરો પણ પોસ્ટ કરી. દિવ્યાએ પોસ્ટ કરેલા ફોટામાં ઘણી ઝલક જોવા મળે છે, જેમાં તેનો દીકરો પણ દેખાઈ રહ્યો છે. દિવ્યા ખોસલા કુમારે લખ્યું, ’કેટલાક સમય પહેલા મેં મારી માતાને ગુમાવી દીધી, જેણે મારા હૃદયમાં હંમેશ માટે ખાલીપો છોડી દીધો.
હું તમારા અપાર આશીર્વાદ અને નૈતિક મૂલ્યોને મારી સાથે લઉં છું. તમે સૌથી સુંદર આત્મા છો, તમે મને બનાવી છે, મને તેનો ખૂબ ગર્વ છે. હું તમને પ્રેમ કરું છું મમ્મી ઓમ શાંતિ.’ આ પોસ્ટ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેમને ’અદ્ભુત મહિલા’ તરીકે યાદ કર્યા અને એક લાંબી નોટ લખી.
આ ઉપરાંત ગુરમીત ચૌધરી, પર્લ વી પુરી, ગૌતમ ગુલાટી, માહી વિજ, મોનાલિસા, મિલાપ ઝવેરી, સિદ્ધાર્થ ગુપ્તા અને સચેત ટંડન સહિત અનેક સેલેબ્સે શોક વ્યક્ત કર્યો. દિવ્યા ખોસલા કુમારની વાત કરીએ તો તે ઈન્ડસ્ટ્રીની જાણીતી નિર્માતા અને દિગ્દર્શક છે. દિવ્યા ટી-સીરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે.
દિવ્યાએ વર્ષ ૨૦૦૪માં તેલુગુ ફિલ્મ ’લવ ટુડે’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે અબ તુમ્હારે હવાલે વતન સાથિયો, સત્યમેવ જયતે ૨ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રીએ યારિયાં અને સનમ રે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. આ સિવાય દિવ્યા કેટલાક મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી છે.