
મુંબઇ,
હાલમાં જ રાખી સાવંતની માતાનું લાંબી સારવાર બાદ નિધન થયું છે, તેઓ કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. આ દુ:ખમાંથી હજુ રાખી બહાર નથી આવી ત્યાં હવે લાગે છે કે રાખીનું લગ્ન જીવન પણ વીખાય જશે અને તેનો પતિ આદિલ દુર્રાની પણ હાથમાંથી નીકળી જશે. જી હાં આ અમે નહીં પરંતુ રાખી સાવંત ખુદ કહી રહી છે.
હકીક્તમાં રાખીએ ફરી એકવાર મીડિયા સામે પોતાનું દિલ ખોલીને તેના લગ્નજીવનમાં આવેલી નવી મુસીબત વિશે ભીની આંખે વાત કરી હતી. રાખીનું લગ્ન જીવન બરાબર નથી ચાલી રહ્યું અને પતિ આદિલ ખાન દુર્રાની તેનો સીડી તરીકે ઉપયોગ કરી રહ્યો છે. રૂઆદિલનું એક યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે અને આ કારણથી તે બધાની સામે લગ્નનો સ્વીકાર નહોતો કરી રહ્યો. રાખીએ આદિલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, શ્રદ્ધા વોકરની જેમ તે ફ્રિજમાં જવા નથી માંગતી.
રાખીએ હાલમાં જ આદિલ દુર્રાની સાથે લગ્ન જીવન વિશે સોશિયલ મીડિયા પર વાત શેર કરી છે. લગ્ન સમયે તેણે રજિસ્ટરના કાગળો અને તસવીરો શેર કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે આદિલે લગ્ન તો કરી લીધા છે, પરંતુ તે બધાની સામે તેને સ્વીકારવાની ના પાડી રહ્યો છે.
રાખીએ કહ્યું હતું કે સલમાન ભાઈ (સલમાન ખાન)એ આદિલ સાથે વાત કરી ત્યારે તેણે લગ્ન સ્વીકારી લીધા હતા. આ પછી બંને ખુશ હોય તેવી તસવીરો અને વિડીયો સામે આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે, રાખીના લગ્ન સારા ચાલી રહ્યા છે. પરંતુ માતાના મોત બાદ રાખીએ આદિલની ગર્લફ્રેન્ડને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
રાખી સાવંતે પાપારાઝી સાથે વાત કરતા કહ્યું કે, તમારા લોકો દ્વારા હું તે છોકરીને વોર્નિંગ આપવા માંગુ છું કે જ્યારે હું બિગ બોસ મરાઠી ૪માં હતી, ત્યારે તેણે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. હું તેનું નામ જાહેર નહીં કરું, પરંતુ સમય આવ્યે તેના ફોટો અને વિડીયો બતાવીશ. આદિલે તેના અફેરના કારણે તેને ૮ મહિના સુધી છુપાવીને રાખી હતી. તે કહે છે કે તું મારો ભગવાન છે, ખુદા છે, અલ્લાહ બાદ તુ જ છે… ના, મારી તુલના ભગવાન સાથે ન કરીશ. મારે પત્ની બનવું છે, બાળકોની માતા બનવું છે, મારે માણસ બનવું છે. મારે આ બધું કહેવું નહોતું, આજ સુધી હું ચૂપ રહી. આદિલે તે છોકરીના કારણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એ પછી મીડિયા-ફેન્સ અને દુનિયાના ડરથી લગ્ન સ્વીકારી લીધાં હતાં. હું કોઇની સીડી બનવા નથી ઇચ્છતી. મને સીડી ન બનાવીશ.
રાખીએ આદિલની ગર્લફ્રેન્ડને ચેતવણી આપતા કહ્યું, ’એક સ્ત્રી બીજી સ્ત્રીનું ઘર તોડી રહી છે, તારે આભાર માનવો જોઈએ કે હું તારું નામ, ફોટો અને વિડીયો નથી લાવી રહી. જો મને મારી પાંપણો ઝૂકાવીન ઊભા રહેતા આવડતું હોય, તો હું એ પણ જાણું છું કે કેવી રીતે મારી આંખો ઊંચી કરવી અને મારા સ્વાભિમાન અને લગ્ન માટે કેવી રીતે લડવું. હું અન્ય છોકરીઓની જેમ ચૂપ નહીં રહું. જો આદિલને નહીં છોડે તો વિડીયો-ફોટો વાયરલ કરી દઇશ. આદિલ, પેલી છોકરીને છોડી દે.’
બીજી તરફ રાખી સાવંતને પોતાના જીવની પણ ચિંતા સતાવી રહી છે. દિલ્હીમાં આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વોકર કેસનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે, તું કહે છે કે તું મીડિયામાં બોલે છે, આ વાતને ઘરમાં જ રાખ. હું ઘરે રહીને ફ્રિજમાં જવા નથી માંગતી. હું એક પરિણીત સ્ત્રી છું અને મારા હક માટે લડીશ. આદિલ યુવતીને સપોર્ટ કરી રહ્યો છે, તેથી ડંકાની ચોટ પર તે કહે છે કે તે મને છોડીને તેની સાથે લગ્ન કરશે.’ રાખીના અનેક વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે, રાખીએ તેમ પણ કહ્યું કે તે આદિલને ડિવોર્સ નહીં આપે.