કડી,
બે માસુમ બાળકીઓ સાથે માતાએ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવનારી કરુંણ અને હચમચાવી દેતી આ ધટના આજથી આજથી આંઠેક માસ અગાઉ કડીના એક ગામમાં ધટી હતી. જેમાં મહિલાને તેના જ પતી દ્વારા કહેલી વાતનું માઠું લાગી આવતા કોઈને કહ્યાં વિના જ ઘરેથી પોતાની બંને બાળકી સાથી નીકળી ગઈ હતી. પતીએ સાંજે ઘરે આવીને જોયું તો માં-દિકરીઓ જોવા મળી નહીં. આજુબાજુ અને સાસરીમાં તપાસ કરતાં પણ તેની કોઈ ભાળ મળી નહીં. અને અંતે એક ફોન આવ્યો અને કહ્યું કે, જલ્દીથી રંગપુરડા નર્મદા કેનાલ પાસે આવો. અહિં ત્રણ જણની લાશ તરતી મળી આવી છે. તો આવો જાણીએ સમગ્ર ઘટના વિશે કે એવું તે શું બન્યું કે મહિલાને આત્મહત્યા કરવી પડી…
’તારું ઘરકામમાં ધ્યાન જ નથી, મોબાઈલનો ઉપયોગ ઓછો કરી દે’
કડી તાલુકાના ઝાલોરા ગામે રહેતા શંભુજી ઠાકોર કે પોતે ધંધો વ્યવસાય કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને પરિવાર સાથે ગામમાં જ રહે છે. શંભુજી ઠાકોરના લગ્ન શારદા ઠાકોર સાથે આજથી દસ વર્ષ પૂર્વે સાણંદ તાલુકાના ગરોડિયા મુકામે થયા હતા. તેઓ તેમના સુખી સંસાર સાથે ગામની અંદર પરિવાર સાથે જ રહેતા હતા. જે દરમિયાન શંભુજી ઠાકોરની પત્ની મોબાઈલનો ઉપયોગ વારંવાર અને વધુ પડતો કરતી હોવાથી શંભુજી ઠાકોરે તેમની પત્નીને ઠપકો આપ્યો હતો. તેની પત્ની રસોઈ કામમાં કે ઘરકામમાં કોઈ જ ધ્યાન ન આપતા શંભુજીએ તેમની પત્નીને કહ્યું કે, ’મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાનું મેં તને કીધું છે તો કેમ તું મોબાઈલનો ઉપયોગ કેમ ઓછો કરતી નથી, જો આવું જ કરવું હોય તો હું તારા પિતાને ફોન કરીને બધી જ વાત કહું છું અને આપણા ઘરે બોલાવું છું.’
પત્નીને પતીની વાતનું માઠું લાગી આવતાં બંને બાળકીઓ સાથે ઘરેથી નીકળી ગઈ.
તે બાદ શંભુજી ઠાકોર ધંધા અર્થે તેઓ ખાત્રજ મુકામે ગયા હતા અને ધંધાનું કામ પતાવીને તેઓ પાછા ઘરે આવ્યા હતા. જે દરમિયાન તેમના માતા-પિતાએ તેને કહ્યું કે, તારા સસરા આપણા ઘરે ચા-પાણી કરીને ગયા છે. જ્યાં શંભુજીએ તેમની પત્ની અને બંને દીકરીઓ બાબતે તેમના માતા-પિતાને પૂછ્યું હતું પરંતુ ત્રણેય જણા ઘરમાં દેખાતા ન હતા. તેમના માતા પિતાએ કહ્યું કે, ખબર નહીં ક્યાંક વાસમાં ઘરે બેસવા ગઈ હશે. જ્યાં થોડો ટાઈમ થતાં ત્રણેય જણા ઘરે ન આવતાં શંભુજીએ આજુબાજુ તેમજ ગામની અંદર તપાસ શરૂ કરી હતી.
પત્નીને શોધવા યુવક ચારેકોર ફરી વળ્યો, પરંતુ કોઈ જ ભાળ ના મળી.
કડીના ઝાલોરા ગામના વતની શંભુજી ઠાકોરને તેમની પત્ની તેમજ બંને દીકરીઓ ઘરની અંદર તેમજ ગામમાં ન દેખાતા તેમના સસરાને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ પિયરમાં પણ પત્ની તેમજ બંને પુત્રીઓ ન હતી. તેવા સમાચાર મળતાની સાથે જ શંભુજીએ પરિવારજનો તેમજ સગા સંબંધીઓને ફોન કરીને પૂછતા કંઈ ભાળ મળી ન હતી. જેથી તુરંત જ શંભુજી પોતાનું બાઈક લઈને અન્ય જગ્યાએ શોધખોળ શરૂ કરી હતી.
અંતે એક ફોન આવ્યોને યુવકના પગ નીચેથી જમીન ખસી પડી.
શંભુજી તેની પત્ની તેમજ બંને દીકરીઓની શોધખોળ કરી રહ્યાં હતાં તે દરમિયાન તેમના સંબંધીએ શંભુજી ઠાકોરને ફોન કરીને જાણ કરી કે તેની પત્ની અને બંને પુત્રીઓની લાશ રંગપુરડા નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે અને તું રંગપુરડા જલ્દીથી આવી જા, જેવું કહેતાની સાથે જ શંભુજી પરિવારજનો તેમજ સાસુ સસરાને ફોન કરીને રંગપુરાડા કેનાલ ઉપર પહોંચી ગયા હતા. જ્યાં જોયું તો પત્ની અને દેવાંશી તેમજ રીનલ બંને પુત્રીઓની લાશ જોઈ હતી. એક જ ઘરની ત્રણ લોકોની લાશો બહાર નીકળતાં આકરંદ પ્રસરી ગયું હતું અને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. જ્યાં ઘટનાની જાણ કડી પોલીસને કરાતાં કડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્રણેય જણાની લાશને પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં કડી પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.