બાડમેર,રાજસ્થાનના બાડમેરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે . અહીં એક માતાએ પોતાના હાથે બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ પછી તેણે પોતાના પર કેમિકલ છાંટીને આગ લગાવી દીધી. આ ઘટનામાં બંને બાળકોની સાથે માતાનું પણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોને પોતાના કબજામાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. જો કે આ ઘટનાનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ મામલો બાડમેર શહેરના ચૌહતાન પોલીસ સ્ટેશન વિસ્તારના લીલસર ભીલસરનો છે. પોલીસે ત્રણેયના મૃતદેહના પંચનામું કરીને કેસની તપાસ શરૂ કરી છે. આ મામલો પ્રકાશમાં આવતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ હજુ સુધી ઘટનાનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. ઘટના સમયે મહિલા અને બાળકો સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. મહિલાનો પતિ પણ કામે ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરેલું ઝઘડાના કારણે મહિલાએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે.
મળતી માહિતી મુજબ, મૃતકોની ઓળખ લીલસર ભીલાસરમાં રહેતા સતારામની પત્ની સોની (૩૦), તેની ૩ વર્ષની માસૂમ પુત્રી લલિતા અને દોઢ વર્ષના પુત્ર મગરમ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોનીએ પહેલા તેના પુત્ર અને પુત્રીને ઘરે બનાવેલા ટાંકામાં નાખ્યા હતા. આ પછી તેણે પોતાના પર જ્વલનશીલ સામગ્રી નાખીને આગ લગાવી દીધી. આસપાસના લોકોને આ બાબતની જાણ થઈ અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
ઘટના સ્થળ પર પહોચેલા લોકોએ તાત્કાલિક સારવાર માટે માતા અને બાળકોને લઈ જવાયા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તબીબોના જણાવ્યા અનુસાર બંને બાળકોનું મોત પાણીમાં ડૂબી જવાથી થયું હતું, જ્યારે મહિલાનું મોત ૮૦ ટકા દાઝી જવાને કારણે થયું હતું. માહિતી મળતાં જ હોસ્પિટલ પહોંચેલા ચૌહાતાન પોલીસના એસઆઈ સુભાન અલીએ જણાવ્યું કે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તેના આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે મહિલાના લગ્ન લગભગ ૧૨ વર્ષ પહેલા થયા હતા. તેમને પાંચ બાળકો છે. જેમાં ૩ પુત્રી અને બે પુત્ર છે. જેમાં માતાની સાથે એક પુત્ર અને એક પુત્રીનું મોત થયું હતું.