દાહોદ, લોકસભા ચૂંટણી 2024 જાહેરાતના પ્રારંભ સાથે દાહોદ જીલ્લામાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર સહિત તાલુકામાં અને જીલ્લામાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.આગામી લોકસભા ચૂંટણી-2024 માટે મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે દાહોદ જીલ્લામાં આગામી 07મી મેના રોજ અચુક મતદાન કરવા દેવગઢ બારીયા મદદનીશ ચુંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ દ્વારા દેવગઢ બારીયાના તમામ મતદારોને અપીલ કરવામાં આવી.
મદદનીશ ચુંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ એ જણાવ્યું હતું કે, જેવી રીતે આપણે અન્ય તહેવારોની ઉજવણી કરીએ છીએ તેવી રીતે લોકસભાના આ મહાપર્વમાં હર્ષો ઉલ્લાસથી જોડાઈ આગામી 07મી મેના રોજ દેવગઢબારીયાના તમામ મતદાર ભાઈઓ બહેનો અને વડીલોને અપીલ કરૂં છું કે, આપણે સૌ આગામી 07મી મે, મંગળવારના રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને દેશ માટે મતદાન કરવા જઇએ. આપણા દેશની લોકશાહી સાથે જોડાવાનો અને એક જાગૃત નાગરિક તરીકે દેશ માટે ફરજ નિભાવવાનો ખુબ જ અગત્યનો અવસર છે. આ સાથે તેમણે દરેક નાગરિકને પોતાના કુટુંબના તમામ સભ્યો અને શેરી ફળીયાના લોકો સાથે મળી આ લોકશાહીના અવસરમાં સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો.
આ સાથે મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા વોટ એજ સંદેશની મહેંદી મૂકવામાં આવી હતી. તેમજ સહી ઝુંબેશ દ્વારા અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મામલતદાર સમીર પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સી.ડી.પી.ઓ. એમી જોસેફ પરમાર, જીલ્લા રમત વિકાસ અધિકારી ઉષા ચૌધરી સહિત ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મયોગીઓ જોડાયા હતા.