મસ્જિદમાં નમાઝ અદા કરી શકશે મહિલાઓ:મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમમાં કહ્યું- મહિલા પુરૂષ સાથે નમાઝ અદા કરવા ના બેસે.

નવીદિલ્હી,

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, મહિલાઓ ઈચ્છે તો મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી શકે છે. ઇસ્લામમાં મહિલાઓ માટે મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે કોઈ પ્રતિબંધ નથી. પરંતુ આ માટે શરત એ છે કે મહિલાઓ પુરુષો વચ્ચે કે તેમની સાથે નમાઝ અદા કરવા બેસી ના શકે. જો મસ્જિદ કમિટીએ આ માટે અલગ જગ્યા નક્કી કરી હોય તો મહિલાઓ ત્યાં નમાઝ અદા કરવા જઈ શકે છે.આ બાબત એટલે બહાર આવી છે કે પુણેની એક મુસ્લિમ મહિલા અને એડવોકેટ ફરહા અનવર હુસૈન શેખે ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ નમાઝ માટે મસ્જિદમાં જવા માગે છે કે નહીં તે તેમના હાથમાં છે. મુસ્લિમ મહિલાઓ જમાતમાં ૫ વખતની નમાઝ કે જુમ્માની નમાઝ અદા કરવા માટે બંધાયેલી નથી. મહિલાઓ ઘરે નમાઝ અદા કરે કે મસ્જિદમાં, તેમને સરખું જ પુણ્ય મળશે. પુરુષો માટે એવું નથી. તેમના માટે મસ્જિદમાં જઈને જ નમાઝ અદા કરવાનો નિયમ છે.

ફરાહે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે મહિલાઓ મસ્જિદમાં પ્રવેશી શકે નહીં. આ પ્રતિબંધ મુસ્લિમ મહિલાઓના બંધારણીય અધિકારો તેમજ તેમના સન્માન સાથે જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. પ્રતિબંધના વિરોધમાં ફરાહે કહ્યું કે, મક્કા અને મદીનામાં મહિલા તીર્થયાત્રીઓ તેમના પરિવારના પુરુષો(મહરમ) સાથે જ હજ અને ઉમરા કરે છે.

એફિડેવિટમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અરજદારની દલીલને ફગાવી દીધી હતી. બોર્ડે કહ્યું કે, મક્કા કે મદીનામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ વ્યવસ્થા છે. ઇસ્લામિક ધર્મગ્રંથોમાં મહિલા અને પુરૂષોને અલગ કરવા એ ધાર્મિક જરૂરિયાત હતી. તેને ખતમ ના કરી શકાય. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, મદીના-મક્કાને લઈને અરજદારનો મત સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. ઇસ્લામમાં મસ્જિદ-એ-હરમને અલગ રીતે ગણવામાં આવ્યું છે.

જ્યાં સુધી મક્કાની વાત છે તો ત્યાં તવાફ (હજ દરમિયાન થતી ધાર્મિક રીત) કરતી વખતે પુરુષો અને સ્ત્રીઓ બંનેને એકબીજાથી અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે ત્યાં ઈબાદત શરૂ થાય ત્યારે મહિલા-પુરુષો અલગ અલગ થઈ સમૂહ બનાવી લે છે. ભારતમાં મસ્જિદ કમેટી મહિલાઓ માટે અલગ જગ્યા બનાવવા માટે સ્વતંત્ર છે. મુસ્લિમ સમુદાયને અપીલ છે કે જ્યારે પણ નવી મસ્જિદ બનાવવામાં આવે ત્યારે મહિલાઓ માટે અલગ જગ્યા બનાવવા માટે ધ્યાન રાખે.