
લખનૌ, યુપીના સંભલના સપા સાંસદ શફીકુર રહેમાન બર્કે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. બર્કે રામ મંદિર નિર્માણ પર સવાલો ઉઠાવ્યા છે. સપા સાંસદ બર્કે કહ્યું કે મસ્જિદ તોડીને મંદિર બનાવવું અયોગ્ય છે. કાયદાની વિરુદ્ધ છે. હવે સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે આપવામાં આવેલી જમીન પર મુસ્લિમોને મસ્જિદ બનાવવાની પણ મંજૂરી આપવી જોઈએ. પરંતુ સરકારે મસ્જિદના નિર્માણ કાર્યમાં દખલ ન કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં રામલલાને તેમના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. પરંતુ તે પહેલા મંદિરના નિર્માણ કાર્યને પૂર્ણ કરવાની તૈયારીઓ ઝડપી કરવામાં આવી છે. આ માટે કામદારોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મજૂરો મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય ભાગોના નિર્માણ કાર્યને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની જે મૂર્તિ પવિત્ર કરવામાં આવશે તે બાળકના રૂપમાં હશે. બાંધકામની તમામ કામગીરી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને અન્ય તમામ કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. એવી માહિતી પણ આપવામાં આવી હતી કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અયોધ્યા પહોંચશે. રામલલાના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે.
ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં રામલલાના અભિષેક કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે અઢી હજાર અગ્રણી લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે, જેમને આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યા બોલાવવામાં આવશે. રમતગમતની હસ્તીઓ, સેના અને પોલીસ અધિકારીઓ ઉપરાંત રામ મંદિર આંદોલન દરમિયાન બલિદાન આપનારા લોકોના પરિવારના સભ્યો અને દેશના મુખ્ય મંદિરોના પ્રતિનિધિઓને પણ આ યાદીમાં સ્થાન મળશે.
જણાવી દઈએ કે ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અયોધ્યા માં વિવાદિત માળખાને કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી. અયોધ્યા માં હાલમાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બની રહ્યું છે. ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર પોતાનો ચુકાદો આપ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૪માં રામલલાને ગર્ભગૃહમાં કાયમી ધોરણે બેસાડવામાં આવશે.