
મુંબઇ,
ડોમ્બિવલીમાં એક લેટમાંથી અંદાજે રૃા. ૨૦ લાખની કિંમતના ૪૦ તોલા સોનાના દાગીના ચોરી કરવાનો કેસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી લીધો હતો. ફરિયાદી મહિલાની માસીપાઈ બહેને જ આ ચોરી કરી હતી. ચાલબાઝ મહિલાએ પકડાય ન જવાય માટે પૂરતી કાળજી રાખી હતી, પરંતુ તેના ચંપલના લીધે પોલીસને કેસમાં મહત્ત્વની કડી મળી હતી.
ડોમ્બિવલી નજીક લોઢા પલાવામાં પ્રિયા સાથે થોડા દિવસની તેની માસીપાઇ બહેન સિમરન (ઉં. વ. ૨૭) રહેતી હતી. નવી મુંબઈના કામોઠેમાં એક કાર્યકાળમાં બન્ને ગયા હતા. ત્યારે સિમરને પ્રિયાના પર્સમાંથી ઘરની ચાવી અને ઇમારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી કાર્ડ ચોરી લીધું હતુ. પછી પ્રિયાની નજરથી બચીને તે રિક્ષામાં લોઢા પલાવામાં ઘરે આવી હતી. ઘરમાંથી દાગીના ચોરી દરવાજો બંધ કરી ફરી કાર્યક્રમમાં પહોંચી ગઈ હતી. તે ચાવી ફરી પ્રિયાના પર્સમાં રાખવાની હતી. જોકે તે પહેલા જ પ્રિયાને ચાવી અને કાર્ડ ગાયબ હોવાની ખબર પડી ગઈ હતી.તે ઘરે આવી ત્યારે દરવાજો બંધ હતો. લોક તોડીને પ્રિયા ઘરમાં ગઈ હતી. તેણે તપાસ કરતા કબાટમાંથી દાગીના ચોરી થયા હોવાનું માલૂમ પડયું હતું.
આથી પ્રિયાએ માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને પકડવા પોલીસની ટીમ બનાવવામાં આવી હતી.આરોપી સિમરને કોઈ ઓળખી ન શકે માટે તેના ડ્રેસ પર વન પીસ અને ચહેરા પર સ્કાર્ફ બાંધ્યો હતો. તેને ખાતરી હતી કે સીસીટીવી ફૂટેજમાં ચહેરો દેખાશે નહીં, પરંતુ સિમરનના ચંપલના લીધે પોલીસને તેના પર શંકા ગઈ હતી. પોલીસે તેને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. છેવટે તેણે ગુનો કબૂલ કર્યો હતો.આરોપી સિમરને પ્રિયાના ઘરની રેકી કરી દાગીના ચોરી કરવાનું કાવતરું ઘડયું હોવાનું કહેવાય છે.