
નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે એક મહત્વની જનહિત અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ અરજીમાં વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓ માટે માસિક દરમિયાન રજાની માંગ કરાઈ હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટનું કહેવુ છે કે, બની શકે કે આ પિટિશન પર સુનાવણી કે વાત કરવાથી લોકો રજાના કારણે મહિલાઓને નોકરી આપવાનું ટાળે. આ અરજી દિલ્હીના એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ કોર્ટમાં દાખલ કરી હતી.
આ મુદ્દે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, નીતિની વિચારણાઓના સંદર્ભમાં અરજદાર માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો સંપર્ક કરવો યોગ્ય રહેશે, કેમ કે કોઈપણ ન્યાયિક આદેશ વાસ્તવમાં બિનઉત્પાદક અથવા ખોટો સાબિત થઈ શકે છે. આ એક નીતિ વિષયક છે અને તેના વિશે વિચારીને પગલાં લેવા જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, ૧૧ જાન્યુઆરીએ દાખલ કરાયેલી અરજીમાં એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ કહ્યું હતું કે, મહિલાઓને પ્રસૂતિ રજા મળે છે અને તે રજા પેઈડ લીવ હોય છે પરંતુ પીરિયડ્સ માટે એવો કોઈ નિયમ નથી. કેટલીક કંપનીઓ ઈચ્છા મુજબ મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રજા આપે છે. પરંતુ આ અંગે કોઈ સરકારી નિયમ નથી. જ્યારે મને લાગે છે કે કોઈ નિયમ હોવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણી સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન અસહ્ય પીડા થાય છે. આદ રમિયાન મહિલાઓ માનસિક અને શારીરિક પીડા અને દબાણમાંથી પસાર થાય છે. આથી પિટિશનમાં પેઇડ પીરિયડ રજાની વાત કરી છે. દરેક સ્ત્રી માસિક સ્ત્રાવમાંથી પસાર થાય છે, જે એક કુદરતી પ્રક્રિયા છે, આ રજા કોઈ લક્ઝરી નથી કે કોઈ પણ મહિલાને વધારાની કોઈ વસ્તુ આપવામાં આવતી નથી. આ જરૂરિયાત છે.
આ અરજીમાં તેમણે કેરળનો ઉલ્લેખ કર્યો હતો. કેરળમાં સરકારે રાજ્ય ઉચ્ચ શિક્ષણ હેઠળની તમામ યુનિવર્સિટીઓ અને શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે પીરિયડ્સની રજા લાગુ કરી છે. આ સાથે અરજીમાં યુકે, ચીન, જાપાન, તાઈવાન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, સ્પેન અને ઝામ્બિયાનો પણ ઉલ્લેખ કરાયો છે. અહીં જ્યાં મહિલાઓને પીરિયડ લીવ અપાય છે.