મુંબઇ, બીસીસીઆઇ ટૂંક સમયમાં આઇપીએલ ૨૦૨૪ દરમિયાન ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં દરેક ખેલાડી ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવા ઈચ્છે છે. જો કે આ વખતે જે ખેલાડીઓ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, બીસીસીઆઈના પસંદગીકારો તેમને ટીમ ઈન્ડિયામાં તક આપી શકે છે. હવે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગીને લઈને મોટી વાત કહી છે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં રમવા અંગે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે મારું યાન આઈપીએલ પર છે, હું મારી ટીમ માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છું છું. હું વિચારું છું કે મારી ટીમ માટે કેવી રીતે સારું કરવું, જેથી ટીમના બાકીના ખેલાડીઓ પણ મદદ કરી શકે. જો મારી ટી-૨૦ વર્લ્ડ કપ માટે પસંદગી કરવી હશે તો હું ચોક્કસપણે પસંદ કરીશ. એક ખેલાડી તરીકે દરેક વ્યક્તિ વર્લ્ડ કપમાં રમવા માંગે છે અને હું પણ મારા દેશ માટે આ કરવા માંગુ છું. હું ગયા વર્ષે વર્લ્ડ કપ રમ્યો હતો, મને પણ થોડો અનુભવ છે. તેમ છતાં, હું આટલું આગળ વિચારી રહ્યો નથી.
આઇપીએલ ૨૦૨૪માં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગિલે અત્યાર સુધી ૯ મેચમાં ૧૪૬ના સ્ટ્રાઈક રેટથી ૩૦૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૨૭ ફોર અને ૯ સિક્સર ફટકારી છે. જ્યારે ગિલની ટીમ ગુજરાતે આ સિઝનમાં ૯માંથી ૪ મેચ જીતી છે અને ૫માં હારનો સામનો કરવો પડ્યો છે. હાલ ગુજરાત ટાઇટન્સ પણ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. હાલ ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. ગુજરાતે હવે તેની આગામી મેચ ૨૮ એપ્રિલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે.