મારો ભૂતકાળનો રેકોર્ડ જુઓ, હું કોઈને પણ પડકાર આપી શકું છું,કંગના

મંડી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની મંડી લોક્સભા સીટ પરથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. કંગનાએ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. નોમિનેશન પછી કંગનાએ એક ઈન્ટરવ્યુ આપતા કહ્યું કે મંડી લોક્સભા સીટ પરથી તેની જીત તેના જીવનનો સૌથી મોટો ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. ઈન્ટરવ્યુમાં કંગનાએ મંડી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ પર પણ તીખી ટિપ્પણી કરી છે. કંગનાએ વિક્રમાદિત્યને ઈશારા દ્વારા ચેતવણી પણ આપી છે.

વાસ્તવમાં, કંગના રનૌત મંડી સીટ પરથી તેના વિરોધી વિક્રમાદિત્ય સિંહના નિવેદનોનો ઉલ્લેખ કરી રહી હતી. વિક્રમાદિત્ય પર નિશાન સાધતા કંગનાએ કહ્યું કે ચૂંટણી મુદ્દાઓ પર લડવી જોઈએ પરંતુ જો તે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે તો તેણે તે જ પ્રકારની ભાષા સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. કંગનાએ કહ્યું મારો ભૂતકાળનો રેકોર્ડ જુઓ, હું કોઈને પણ પડકાર આપી શકું છું.

કંગના રનૌતે વિક્રમાદિત્ય સિંહને ઈશારામાં ચેતવણી આપતા કહ્યું છે કે હું ઝઘડામાં નથી પડતી, પરંતુ જો મારા પર હુમલો થશે તો હું તેમાંથી નથી જે તેને ચૂપચાપ સહન કરીશ. જો તમે મને એક વાર મારશો તો ઘણી વાર મારાથી મારવા તૈયાર રહો. તમને જણાવી દઈએ કે જ્યારથી કંગનાને મંડી લોક્સભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી છે, ત્યારથી તેમની અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે.

હિમાચલ પ્રદેશમાં લોક્સભાની કુલ ૪ બેઠકો છે. લોક્સભા ચૂંટણીના ૭મા અને છેલ્લા તબક્કામાં ૧ જૂને આ તમામ બેઠકો પર એક સાથે મતદાન થશે. આ પછી દેશની તમામ બેઠકો સાથે આ બેઠકોના પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે મંડી સીટ પરથી કંગના સામે વિક્રમાદિત્ય સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.