માર્ક્સવાદી મેનિફેસ્ટો

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ ફરી એક વખત કોંગ્રેસ માટે સંકટ પેદા કરવાનું કામ કર્યું. તેમણે અમેરિકામાં વારસાઇ ટેક્સનો હવાલો આપતાં એમ કહ્યું કે ભારતમાં એવું નથી અને આપણે તેના પર ચર્ચા કરવી જોઇએ. તેમના આ કથને એટલા માટે ચર્ચા જગાવી, કારણકે કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં લોકોની સંપત્તિના સર્વેનો વાયદો કર્યો છે. તેની વ્યાખ્યા ભાજપ પહેલેથી જ એ રૂપે કરી રહી છે કે કોંગ્રેસ લોકોની સંપત્તિનું આકલન કરીને સંપન્ન-સક્ષમ લોકોની સંપદાનો એ હિસ્સો લઈ લેવાનો ઇરાદો ધરાવે છે. સેમ પિત્રોડાનું નિવેદન પણ આવો જ સંકેત આપી રહ્યું છે, તેથી ભાજપે નવેસરથી તેમના નિવેદનને મુદ્દો બનાવી દીધો. વડાપ્રધાને તો તેમને નિશાના પર લીધા જ, ગૃહમંત્રી અમિત શાહે પણ કહી દીધું કે જો કોંગ્રેસ એવું કશું કરવાનું નથી વિચારી રહી, જેવું સેમ પિત્રોડા કહી રહ્યા છે, તો પછી તે પોતાના ચૂંટણી ઢંઢેરામાંથી સંપત્તિના સર્વેક્ષણવાળી વાત હટાવી દે. પહેલાં સેમ પિત્રોડાએ પોતાના નિવેદન પર એ સફાઈ આપી કે તેમના કહેવાનો એ મતલબ નહતો, જેવો કાઢવામાં આવ્યો, પછી કોંગ્રેસે ખુદને પિત્રોડાના નિવેદનથી અલગ કરી દીધી. હેવું મુશ્કેલ છે કે આ બધાથી તેનું સંકટ ઓછું થશે, કારણ કે સેમ પિત્રોડા માત્ર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ જ નહીં, પરંતુ રાહુલ ગાંધીના અંગત સલાહકાર પણ છે.

આવું પહેલી વાર નથી કે જ્યારે સેમ પિત્રોડાના કોઈ નિવેદનથી કોંગ્રેસે બચાવમુદ્રામાં આવી જવું પડ્યું હોય અથવા તેમના કથનને તેમનો અંગત અભિપ્રાય ગણાવવો પડ્યો હોય. આના પહેલાં તેમણે ૧૯૮૪ના શીખ નરસંહારને લઈને ‘થયું તો થયું…’ કહીને કોંગ્રેસને બેકફૂટ પર લાવી દીધી હતી. તેમના કેટલાક અન્ય નિવેદનો પણ વિવાદનો વિષય બન્યા છે. જ્યારે ચૂંટણીઓ સમયે નાની-નાની વાતોને ચગાવવામાં આવે છે કે પછી તેની મનમાફક વ્યાખ્યા કરવામાં આવે છે ત્યારે નેતાઓએ સંભાળીને બોલવું જોઇએ. નિ:સંદેહ સેમ પિત્રોડા અમેરિકાનું ઉદાહરણ આપીને એના પર ભારતમાં ચર્ચાની જરૂરિયાત જણાવતા હતા, પરંતુ તેમણે ખોટા સમયે આવું ઉદાહરણ નહોતું આપવું, જે તથ્યાત્મક રૂપે સાચું ન હોય અને જેનાથી વિવાદ પેદા થવાની પૂરેપૂરી આશંકા હોય. એ તો કોંગ્રેસ જ જાણે કે સંપત્તિના સર્વે દ્વારા તે શું હાંસલ કરવા માગે છે, પરંતુ એનો ઇનકાર નહીં કે દેશમાં આર્થિક અસમાનતા દૂર કરવાની જરૂરિયાત છે. પરંતુ આ જરૂરિયાતની પૂત ડાબેરી માનસિક્તાવાળી રીતભાત કે માર્ક્સવાદી નીતિઓથી ન કરી શકાય, જે સમાજમાં વિભાજન પેદા કરે. જે પણ ગરીબ-વંચિત છે અથવા સામાજિક-આર્થિક રૂપે પછાત રહી ગયા છે, તેમના ઉત્થાનની ચિંતા તો કરવી જ જોઇએ, પરંતુ એ તેમની જાતિ કે મજહબ જોયા વગર થવું જોઈએ.