બિલાસપુર, હિમાચલપ્રદેશના બિલાસપુર જિલ્લા ખાતે ’સોશિયલ મીડિયા’ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અભિનેત્રી કંગના રનૌતને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવી હતી.
જેમાં કંગના રનૌતે મોદી સરકાર અને આરએસએસના પેટ ભરીને વખાણ કરતી જોવા મળી હતી. કંગના રનૌતે આ મીટમાં કહ્યું કે, ’જે વિતેલા ૭૦ વર્ષોમાં નથી થયું તે પાછલા ૮થી ૧૦ વર્ષોમાં થયું છે. RSSએ પાછલા કેટલાંક વર્ષોમાં અનુભવ્યું કે સંગઠનની ઊણપ છે અને દેશને સંગઠિત કરવાનું બીડું ઝડપ્યું. હવે તેમને ૧૦૦ વર્ષ થઈ ચૂક્યા છે. આરએસએસએ હિન્દુ ચેતન, સત્ય સનાતનની ચેતના કરીને તણખો ફુંક્યો છે. મારી વિચારધારા આરએસએસ સાથે મળતી આવે છે’
હિમાચલપ્રદેશમાં યોજાયેલી સોશિયલ મીડિયા મીટમાં દેશના ૧૦૦ જાણીતા સોશિયલ મીડિયા ક્રિયેટર્સે ભાગ લીધો હતો. કંગના રનૌત હિમાચલપ્રદેશના ભાબલાની રહેવાસી છે. પરંતુ તેને તેનું કાયમી ઘર મનાલીમાં બનાવ્યું છે. તાજેતરમાં જ કંગનાએ એવું નિવેદન આપ્યું હતું કે જો ભગવાનની ઇચ્છા હશે તો તે ચૂંટણી લડશે. આ નિવેદન બાદ કંગના ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું કે કંગના મંડી કે ચંડીગઢથી ચૂંટણી લડી શકે છે.