મારી પુત્રીની ક્રૂરતાથી હત્યા કરનાર આફતાબને સખત સજા થવી જોઈએ: શ્રદ્ધાના પિતા

મુંબઇ,

શ્રદ્ધા હત્યા કેસના મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાની જ્યુડિશિયલ કસ્ટડી ૧૪ દિવસ માટે લંબાવવામાં આવી છે. બીજી તરફ, શુક્રવારે શ્રદ્ધાના પિતા વિકાસ વાલ્કરે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. વિકાસ વાલ્કરે કહ્યું કે શ્રદ્ધાના મૃત્યુથી અમારો આખો પરિવાર દુખી છે. તેમણે કહ્યું કે દીકરીની હત્યાના કારણે મારી માનસિક સ્થિતિ પણ બગડી ગઈ છે.

શ્રદ્ધાના પિતાએ વધુમાં કહ્યું કે દિલ્હી પોલીસે અમને આશ્ર્વાસન આપ્યું છે કે અમને ન્યાય મળશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ અમને આ વાતની ખાતરી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને પોલીસ વિભાગના કેટલાક લોકો તરફથી મદદ મળી નથી, જેના માટે તે ખૂબ જ દુ:ખી પણ છે. તેમણે કહ્યું કે અમે પોલીસને દરેક સંભવ મદદ કરી રહ્યા છીએ.

વિકાસ વલકરે કહ્યું કે મારી પુત્રીની નિર્દયતાથી હત્યા કરવા બદલ આફતાબ પૂનાવાલાને કડકમાં કડક સજા મળવી જોઈએ. શ્રદ્ધાના પિતાએ કહ્યું કે મારી માંગ છે કે આ મામલાની ઉંડાણ સુધી તપાસ થવી જોઈએ અને આફતાબને આવું શિક્ષણ કોણે આપ્યું છે તે શોધી કાઢવું જોઈએ.

વિકાસ વાલકરે પત્રકાર પરિષદમાં વસઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મારી પુત્રીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. વસઈ પોલીસના કારણે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જો તેઓએ મને મદદ કરી હોત તો મારી પુત્રી જીવિત હોત.