મારી પ્રેગ્નન્ટ વાઇફ તેની ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગઈ!’:‘હું કામ પરથી વહેલો ઘરે આવ્યો એમાં ભાંડો ફૂટ્યો’, પોલીસ કહે, ‘અમે કશું ન કરી શકીએ

અમદાવાદના એક પીડિત પતિના. છેલ્લા 3 મહિનાથી જેના ગળા નીચે કોળિયો નથી ઊતર્યો, કેમ કે બે વર્ષની રિલેશનશિપ અને ત્રણ વર્ષના મેરેજ પછી સાત મહિનાની પ્રેગ્નન્ટ વાઈફ તેની લેસ્બિયન પાર્ટનર સાથે ભાગી ગઈ છે. પાંચ વર્ષ સાથે રહ્યાં પછી પ્રેગ્નન્સી સુધી વાત પહોંચી ગઈ છતાં તેને ખબર ન પડી કે તેને છોકરીઓમાં પણ ઇન્ટરેસ્ટ છે? તેની પત્ની અને તેની મિત્ર, બંનેના સંબંધો આજકાલના નહોતા. વર્ષોથી બંને એકબીજાના પ્રેમમાં હતાં. મેરેજ પહેલાં પણ અને પછી પણ. તો આ હસબન્ડને કેમ જાણ ન થઈ? જ્યારે જાણ થઈ તો એ પછી પણ પતિ-પત્ની પ્રેગ્નન્સી કેવી રીતે સંમત થયાં? શું હતો આખો કેસ? અને અત્યારે બંને યુવતીઓ ક્યાં છે? પતિને પોલીસ તરફથી સંતોષકારક રિસ્પોન્સ ન મળતાં તેણે તો હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. આખો કેસ જાણવા એ ફરિયાદી પતિ, આ કેસ હેન્ડલ કરતાં PSI તથા યુવતીનાં પરિવારજનો સાથે વાત કરી. અજબ પ્રેમ કી ગજબ કહાનીનો આ ફિલ્મી કેસ છે તો ઈન્ટરેસ્ટિંગ…

અમદાવાદના ચાંદખેડાના 26 વર્ષીય હિતેષભાઈએ (નામ બદલાવેલું છે) પત્ની મિલનના અધ્યાયથી વાતની શરૂઆત કરી, ‘દિયા (નામ બદલાવેલું છે) અહીં અમારા વિસ્તારમાં જ રહેતી. એટલે આવતાં-જતાં હું તેને જોતો, એમાં તે મને ગમવા લાગી અને બંનેએ વાતની શરૂઆત કરી. થોડા દિવસોમાં તેને પણ હું ગમવા લાગ્યો એટલે અમે રિલેશનશિપમાં આવી ગયાં. બે વર્ષ સુધી અમારો પ્રેમ ચાલ્યો એટલે પછી નક્કી કર્યું કે હવે આપણે મેરેજ કરી લેવા જોઈએ. બંનેએ એકબીજાનાં ઘરે વાત કરી. દિયા એટલે મારા મોટા ભાઈની સાળી. મારાં ભાભી અને દિયા કાકા-બાપાની બહેનો છે. એટલે બંનેનાં ઘરે થોડા જલદી માની ગયાં અને અમારાં મેરેજ થઈ ગયાં. અત્યારે અમારા મેરેજને પણ ત્રણ વર્ષ થયાં. એ સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી અને તે ઘરેથી ભાગી ગઈ છે. ભાગ્યાનેને પણ બે મહિના થયા, અત્યારે તો નવમો મહિનો ચાલુ છે.’\

મતલબ કે તમે પાંચ વર્ષથી સાથે હતાં, તો ત્યારે તમને ક્યારેય એવી શંકા ન ગઇ કે તમારી પત્ની લેસ્બિયન છે? યાને કે તેને સ્ત્રીમાં સેક્સ્યૂઅલ ઇન્ટરેસ્ટ છે? હિતેષભાઈ કહે, ‘ના ના સાહેબ, મેરેજનું એક વર્ષ થઈ ગયું ત્યાં સુધી ખબર જ ન પડી. મારી વાઈફ પ્રિયા (નામ બદલાવેલું છે) નામની જે છોકરી સાથે ભાગી ગઈ, એ મારી વાઈફના બાજુના ઘરમાં જ રહેતી, એટલે બંને આખો દિવસ સાથે રહેતાં હોય તોપણ આપણને શક ન જ જાય ને. મને એમ કે બંને મિત્રો જ હશે, પણ એ બંને છોકરી વચ્ચે ‘આવો’ પ્રેમ હશે એવો તો વિચાર સુધ્ધાં ન આવે ને. આખું ઘર પણ દિયા જ સંભાળતી હતી, ઘરે બધું કામ કરતી, મારી સાથે પણ સંબંધો સારા હતા, એટલે ક્યારેય શક નહોતો ગયો.’

તો તમને ખબર કેવી રીતે પડી? હિતેષ કહે, ‘બે વર્ષ રિલેશન અને મેરેજ પછીના એક વર્ષે મને થોડો થોડો શક ગયો કે દિયાની પ્રિયા સાથેની ખાલી ફ્રેન્ડશિપ તો નથી જ. થોડા ટાઈમમાં એ શક વિશ્વાસમાં પણ બદલાઈ ગયો, જ્યારે દિયાએ પોતે સ્વીકારી લીધું.’ ‘તમે શું કર્યું એ પછી?’ ‘પહેલા તો અમારો ઝઘડો થયો અને મેં એ બંનેની વાત જ બંધ કરાવી દીધી. તેમના ઘરે અને મારા ઘરે પણ વાત કરી કે આવું બધું ચાલે છે, આ બંધ કરાવો. એટલે તેમના ઘરેથી દિયાને સમજાવીને અમને ખાતરી આપી કે દિયા હવે એ છોકરી સાથે વાત નહિ કરે.’

પણ એ તમારા બાળકની માતા બનવાની હતી ને, પ્રેગ્નન્ટ હતી. લેસ્બિયન હતી તોપણ તમારી સાથે સંબંધ રાખતી? હિતેષભાઈ ખૂલીને વાત કરતાં કહે, ‘તેને મારી સાથેના સંબંધોમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી થયો. મારી સાથે તો સંબંધ હતો જ, સાથે પ્રિયા સાથે પણ હતો.’ ‘મતલબ કે એ બાયસેક્સ્યૂઅલ હતી. બાયસેક્સ્યૂઅલ એટલે એવી વ્યક્તિ, જેને સ્ત્રી-પુરુષ બંનેમાં સેક્સ્યૂઅલ ઇન્ટરેસ્ટ હોય. તો તમારી પ્રેગ્નન્સી પ્લાનિંગ સાથે હતી?’ ‘હા, એ ભાગી એના સાત મહિના પહેલાં અમે પ્લાનિંગ સાથે જ પ્રેગ્નન્સી રાખી હતી. એ પ્રેગ્નન્ટ હતી ત્યારથી અમારા બાળક માટેનું બધું પ્લાનિંગ પણ ચાલુ હતું. બધું જ બરાબર ચાલતું હતું અને સાતમા મહિને ભાગી ગઈ. મારે તો પત્ની પણ ગઇ ને બાળક પણ જન્મતાં પહેલાં જ છીનવાઇ ગયું.’

પ્રિયાના કારણે તમારા બંને વચ્ચે ઝઘડાઓ થતા? હિતેષભાઈ પોતાનો ઊભરો ઠાલવતાં કહે, ‘એ એકમાત્ર કારણથી જ ઝઘડા થતા, કારણકે પ્રિયા સારી છોકરી નહોતી, તે નશેડી હતી એટલે મને વધારે પ્રોબ્લેમ હતો. મેં કેટલીય વાર બંનેને વાત કરવાની ના પાડી, પણ એ સમજતી જ નહોતી. ગમે તેટલા ઝઘડા થાય એ બંનેનો સંબંધ ચાલુ જ રહેતો.’

આ આખી વાતની શરૂઆત કેવી રીતે થઈ? તમને ખબર કેવી રીતે પડી? હિતેષે પત્ની દિયા ઘરેથી ભાગી એ દિવસની વાત ચાલુ કરી, ‘હું બિગ બાસ્કેટમાં ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરું છું. રોજે રાત્રે 6:30-7 વાગ્યે મારું કામ પૂરું કરી ઘરે આવું, પણ એ દિવસે ધનતેરસ હતી એટલે હું થોડો વહેલો 5:00 વાગ્યામાં ઘરે આવી ગયો. દિયા અંદર વાસણ ઘસતી હતી, એટલે હું બહાર હૉલમાં જ બેડ પર બેઠો. હજુ તો જેવો બેઠો ત્યાં દિયાના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. હું બાજુમાં જ બેઠો હતો, તો મેં એ ફોન ઉપાડી લીધો. ફોન ઊપડ્યો અને મેં હેલ્લો હેલ્લો કર્યું પણ સામેથી કોઈ અવાજ જ ન આવ્યો અને પછી મેં નંબર થોડો જાણીતો લાગ્યો એટલે હું સમજી ગયો કે આ ફોન પ્રિયાનો જ છે. મેં તરત જ દિયાને બોલાવી. અમારા બંને વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો. મેં એ જ પૂછ્યું કે તું તો કહેતી હતી ને કે તમારે વાત નથી થતી, જો તમારે વાત નહોતી થતી તો તેના ફોન કેમ આવે છે?’

હિતેષે વાત આગળ વધારી, ‘સાડાછ થયા. અમારો ઝઘડો ચાલુ જ હતો ત્યાં તેને કામ પર જવાનો સમય થયો, એટલે હું તેને કામ પર મૂકવા નીકળ્યો. દિયાને જેવી ઉતારી ત્યાં મને કહે, ‘આજે ધનતેરસ છે તો આપણે પૂજાનો સામાન લેવાનો છે, તમે મને લેવા આવો ત્યારે પૈસા લેતા આવજો ને, મારું કામ પતે એટલે આપણે સામાન લઈ આવીએ.’ તેને કામ પૂરું કરી છૂટવાનો સમય 8:30નો. એટલે હું 8 વાગ્યે ત્યાં એ ફ્લેટ નીચે જઈને વેઇટ કરવા લાગ્યો. 10 વાગ્યા સુધી મેં વેઇટ કર્યું પણ તે આવી જ નહીં. પછી તો તેનો ફોન પણ સ્વિચ ઑફ. હું હાંફળોફાંફળો થઈ ગયો. ઉપર જઈને પૂછ્યું તો વધારે ઝટકો લાગ્યો. એ માલિક મને કહે, ‘દિયા તો ડિનર માટે જવાની વાત કરતી હતી. એટલે મને એમ કે એ તમારી સાથે જ જવાની હશે ને. ડિનર માટે કોઈને બોલાવી તેમની સાથે ગઈ છે.’

હિતેષ દુઃખી અવાજે બોલતો રહ્યો, ‘મારા તો હોશ જ ઊડી ગયા. મારી વાઈફ ડિનર માટે ગઈ છે? તેણે મને તો કંઈ કહ્યું જ નથી. મને નથી કહ્યું, મારી સાથે નથી ગઈ તો કોની સાથે ગઈ? ક્યાં ગઈ? કલાકો સુધી શોધ્યા પછી છેલ્લે ખબર પડી કે મારી વાઈફ તેની લેસ્બિયન પાર્ટનર સાથે જ ભાગી ગઈ છે. તેને શોધવા મેં પણ મારાથી થતા મેં બધા જ પ્રયાસો ચાલુ કરી લીધા. રાત્રે 3 વાગ્યા સુધી શોધી, પણ એ મળી નહીં. નાછૂટકે મારે પોલીસ ફરિયાદ કરવી પડી. બીજા દિવસે મેં એ ફ્લેટના કેમેરા ચેક કર્યા તો ખબર પડી કે એક છોકરો અને પ્રિયા બુલેટ પર આવ્યાં, મારી વાઈફ તેની પાછળ બેઠી અને ત્રણેય ભાગી ગયાં.’

‘દોઢ મહિના સુધી મેં રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા’ પોલીસે શું કર્યું પછી? હિતેષ કહે, ‘દોઢ મહિના સુધી મેં રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે. પણ પોલીસે કોઈ જ જવાબ ન આપ્યો. એ લોકો રોજ એવું જ કહે કે ‘તમે તમારી વાઈફનું પર્ફેક્ટ લોકેશન લાવી આપો તો અમે તેને પકડી લાવીશું,’ એટલે દોઢ મહિને હું કંટાળ્યો અને પછી કમિશનર કચેરીએ ફરિયાદ કરવા ગયો. કમિશનર કચેરીએ જેવી ફરિયાદ કરી તેના બીજા જ દિવસે પોલીસ સ્ટેશનથી મને વીડિયો કોલ દ્વારા દિયા સાથે વાત કરાવી દીધી. દોઢ મહિના સુધી કોઈ જ પત્તો નહોતો તેમને અચાનકથી એ મળી પણ ગઈ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનથી આહીર સાહેબે મને કહ્યું કે તમારી વાઈફ આવવાની ના પાડે છે અને પછી મને વીડિયો કોલ પર વાત કરાવી.’

‘કંટાળીને મેં હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો’ ​​​​​​​તો પછી તમે હાઇકોર્ટમાં પણ ગયા હતા? હિતેષ કહે, ‘હા, મને વીડિયો કોલ પર વાત કરાવી, પણ મને સંતોષ ન થયો એટલે મારા ભાઈ મહેસાણામાં ASI જ છે, તેમની મદદથી મેં હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી. હેબિયસ કોર્પસ કરી. જોવા જેવું તો એ થયું કે જે પોલીસ આટલા દિવસથી મને એવું જ કહેતી હતી કે એ બેંગલુરુંમાં છે, પણ 19 તારીખે મેં હેબિયસ કોપર્સ કરી અને 20 તારીખે તો દિયાને કોર્ટમાં હાજર પણ કરી દીધી! જો એ મળતી જ નહોતી તો એક દિવસમાં મળી પણ ગઈ અને કોર્ટમાં હાજર પણ કરી દીધી?’

‘હવે તો એ પાછી આવે તોપણ ન જોઈએ’ તો હાઇકોર્ટમાં શું ડિસિઝન આવ્યું? હિતેષ કહે, ‘હાઇકોર્ટે તો મને દિયા સાથે મળાવવાની ના પાડી દીધી. પહેલા દિયા કોર્ટમાં હાજર થઈ અને એ ગઈ પછી મને બોલાવ્યો. મને કહી દીધું કે ‘તમારી વાઈફ માનતી નથી અને તમારું મોઢું જોવા પણ તૈયાર નથી. અત્યારે દિયા ક્યાં છે એનો કોઈ જ કોન્ટેક્ટ નથી. એનો નવમો મહિનો ચાલે છે, હમણાં મારા બાળકનો જન્મ થશે, એટલે હવે બાળક અમને મળે એ માટે અરજી કરીશું.’