મારી પાસે કામ નહીં હોય તો પણ હું કોઈની પાસે કામ માગવા નહીં જાઉં : નવાઝુદ્દીન

મુંબઇ,નવાઝુદ્દીન સિદ્દીકીએ નક્કી કરી રાખ્યું છે કે જો ભવિષ્યમાં તેની પાસે કામ નહીં હોય તો તે કોઈની પાસે સામે ચાલીને કામ માગવા નહીં જાય. તે જાતે જ ફિલ્મ બનાવશે. તેનું કહેવું છે કે તેને જ્યારે ગુસ્સો આવે છે તો તે અટકી-અટકીને બોલે છે. જોકે એ ટેવ તેની ૨૦૦૫ કે ૨૦૦૬માં છૂટી ગઈ હતી. ભવિષ્યમાં કામ નહીં મળે તો શું પ્લાન છે એ વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ’જો આવતી કાલે મારી પાસે કામ નહીં હોય તો મારામાં હિમ્મત નથી કે હું કામ માગવા જાઉં.

હું તમારી પાસે નહીં આવું અને નહીં કહું કે મને કામ આપો. હું મારું ઘર, મારાં શૂઝ અને બીજી બધી વસ્તુઓ વેચી નાખીશ અને જાતે જ મારી ફિલ્મ બનાવીશ. એ બાબતને લઈને તો મને પૂરો ભરોસો છે. મારી લાઇફમાં તો હું એવું કદી નહીં કરું. ઍક્ટિંગ અગત્યની છે, પરંતુ ફિલ્મોમાં ઍક્ટિંગ કરવી જરૂરી નથી. હું તો સ્ટ્રીટ પર, બસમાં અને ટ્રેનમાં પણ ઍક્ટિંગ કરી લઈશ.’

નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે બૉલીવુડમાં ઍક્ટર્સને લગભગ દસ કરોડ રૂપિયા ફી તરીકે મળે છે. જોકે તેને જે પણ ફી આપવામાં આવે એના પર ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે ઍક્ટર્સને દસ કરોડ રૂપિયાની આસપાસ ફી મળે છે? તો એનો જવાબ આપતાં નવાઝુદ્દીને કહ્યું કે ‘તેમને અઢળક રૂપિયા મળે છે. દસ કરોડ રૂપિયાની આસપાસ મળે છે.’

તેને પૂછવામાં આવ્યું હતું કે શું ફીને લઈને તું કદી વાટાઘાટ કરે છે? એના પર નવાઝુદ્દીને કહ્યું કે ‘હું કદી પણ મોલભાવ નથી કરતો. ઇન્ડસ્ટ્રી તમને એટલું આપે છે જેના તમે યોગ્ય છો. જો તમે વાટાઘાટ કરશો તો તમને પૂછવામાં આવશે કે શું તમે આનાથી વધુ લાયકાત ધરાવો છો?’

કરીઅરમાં અનેક રોલ કર્યા હોવા વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘ઇન્ડસ્ટ્રીમાં મારી કરીઅર દરમ્યાન મેં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. મેં નાના રોલ પણ કર્યા છે. હવે એવા રોલથી કંટાળી ગયો છું. હવે તો તમે મને પચીસ કરોડ રૂપિયા પણ આપશો તો પણ હું નાના રોલ નહીં કરું.’