મારી હત્યા થાય તો ભૂ-માફિયા જયેશ પટેલ અને તેની પત્ની તથા સાગ્રીતો જવાબદાર,જામનગરમાં ક્રાઇમની દુનિયામાં જયેશ પટેલે કાંઈ બાકી નથી રાખ્યું!

જામનગર,

વકિલની હત્યાના કેસમાં ભાગેડુ અને કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ તથા તેના સાગ્રીતો સામે તેના જ એક સમયના કહેવાતા મિત્ર જીતેન્દ્ર ગોરીયાએ પોતાની હત્યા થવાની દહેશત વ્યક્ત કરી જયેશ પટેલ અને તેની ટોળકી સામે અનેક આક્ષેપો કરતા હાલાર પંથકમાં ભારે ચર્ચા જાગ છે. જામનગરમાં ક્રાઇમની દુનિયામાં જયેશ પટેલે કાંઈ બાકી નથી રાખ્યું!કુખ્યાત જયેશ પટેલ વિરુદ્ધ ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારબાદ બહુચર્ચિત બીટકોઈન મામલાથી ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયા પર વર્ષ ૨૦૧૯ માં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

આ જેમાં પણ જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એટીએસની તપાસમાં જીતુ ગોરીયાએ જ ફાયરિંગ કરાવ્યાનુ ખુલ્યું હતુ. આ પ્રકરણમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામા આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને જયેશ પટેલ વિરુદ્ધ નગારે ઘા કરી આગામી સમયમાં જયેશ પટેલ અને તેના સાગરિતો સામે આગામી સમયમાં પુરાવા સાથે ફરિયાદની ચીમકી આપી છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. ખંભાળિયાના આરાધના નજીક જામનગરની નિશા ગોંડલીયા પર ત્રણ વર્ષ બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં નિશા ગોંડલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ ફાયરિંગ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

જે ફાયરિંગ પ્રકરણનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં એટીએસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે નિશાએ બિલ્ડર જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલો સાથે મળીને પોતાના પર આ ફાયરિંગ કરાવ્યું હતું. આ કાવતરું આગાઉથી જ ઘડી કાઢવામાં આવ્યું હોવા સહિતના અનેક ધડાકા ભડાકા થયા હતા. ત્યારબાદ જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાએ કોર્ટમાંથી સ્ટે મેળવ્યા બાદ જીતેન્દ્ર ગોરીયાએ પત્રકાર પરિષદ યોજી અનેક ધગધગતા આરોપ લગાવ્યા હતા. જેમાં પોતાને ખોટો રીતે આ કેસમાં ફિટ કરી દીધાનો પણ દાવો કર્યો હતો. આ દરમિયાન જીતેન્દ્ર ગોરીયાએ જણાવ્યું હતું કે, ભુમાફિયા જયેશ પટેલે મારી કરોડોની કિંમતની જમીન, ફ્લેટ અને દુકાન પચાવી પાડી છે. ત્યારબાદ તેના વિરુધ હું કાંઈ પણ બોલી ન શકું તે માટે મને ખોટા કેસમાં ફિટ કરી દીધો છે. તેમને આક્ષેપ સાથે કહ્યું કે ભૂમાફિયા જયેશ પટેલ અને ધૃતિની નજરમાં શ્રીમંતો, જમીનદારો, બીલ્ડરો, વ્યાપારી તકલીફમાં હોય એવા લોકોને ટાર્ગેટ બનાવી જેયશ ભાડાના માણસો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી લોકોને ફસાવી જમીન અને રૂપિયા પડાવતો હતો. વધુમાં આગામી સમયમાં તેમણે આ મામલે પુરાવા સાથે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે જેમાં ભોગ બનેલા લોકોને બહાર આવવા અપીલ કરાઈ છે. તેમણે વધુમાં કહ્યું કે આરાધના ધામમાં થયેલ ફાયરિંગ પ્રકરણમાં મારુ કનેક્શન ન હોવાવ છતાં બે લોકોના મૌખિક નિવેદનોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં જેયશ પટેલ તથા તેના સાગરીતો સામે ગુજરાત સરકારને રજુઆત કરશું અને ઉચ્ચ કક્ષાએ કેસને રી ઇન્વેસ્ટીગેશન કરવાની પણ માંગ કરવાનું જણાવ્યું છે. ત્યારબાદ કિરીટ જોશી મર્ડર કેસ અને બીટકોઈનના પ્રકરણમાં પણ અનેક ખુલાસા પુરાવા સાથે કરવામાં આવશે. એટલું જ નહીં જયેશ પટેલના સાથીઓ વેપારી, રાજકારણી તથા લુખ્ખાઓની લેવડ દેવડ જમીનના સોડા ક્યાંથી કેવી રીતે પેમેન્ટ આવેલ કોના હાથમાં આવેલ અને એ પેમેન્ટ ક્યાં માણસોને દબાવીને કઢાવેલ તેના પુરાવા પણ સરકાર, પોલીસ, ઈડી, ઇક્ધમટેક્ષ અને મીડિયાને આપીશ તેવું જણાવ્યું હતું. સાથે સાથે એમ પણ કહ્યું કે જો મારું મર્ડર થાય તો તેના જવાબદાર જયેશ પટેલ, ધૃતિ રાણપરીયા અને ધર્મેશ રાણપરીયા, યશપાલ અને એક રાજકીય નેતા જ હશે. તેવું કહીને આ બધા નામ અને પુરાવા સહિત પેન ડ્રાઈવમાં મારા પુત્ર પાસે રાખેલ છે. તેમ અંતમાં જણાવ્યું હતું.