મારી દીકરીને મારી વધુ જરૂર હોવાથી હું વધુ ફિલ્મો નથી કરતી : અનુષ્કા

મુંબઇ, અનુષ્કા શર્માનું કહેવું છે કે તેની દીકરી હજી ઘણી નાની છે અને એથી તેને તેની વધુ જરૂર હોવાથી તે વધારે ફિલ્મો નથી કરવા માગતી. ૨૦૧૭માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ તેણે ૨૦૨૧માં દીકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. અનુષ્કાએ એક વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે.

એ વિશે અનુષ્કાએ કહ્યું કે ‘હું જાણું છું કે મારી દીકરીની જે ઉંમર છે એમાં તેને મારી વધુ જરૂર છે. વિરાટ ગ્રેટ ફાધર છે. એક પેરન્ટ તરીકે તે પણ ખૂબ યોગદાન આપે છે. જોકે દીકરીની ઉંમરને લઈને તેને મારી વધુ જરૂર છે. એની અમને જાણ થતાં મેં એ નિર્ણય લીધો છે. હું ઍક્ટિંગને એન્જૉય કરું છું, પરંતુ મારે પહેલાંની જેમ ઘણીબધી ફિલ્મો નથી કરવી. મારે એક વર્ષમાં એક જ ફિલ્મ કરવી છે, હું ઍક્ટિંગની પ્રોસેસને એન્જૉય કરું છું અને મારી લાઇફમાં બૅલૅન્સ જાળવવા માગું છું. પરિવારને પણ પૂરતો સમય આપવા માગું છું.’

અનુષ્કા શર્માએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરીને લાઇમ લાઇટ ખેંચી છે. તેના આઉટફિટે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેણે કેટ વિન્સલેટ સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

એ દરમ્યાન સિનેમામાં મહિલાઓની ભાગીદારીને તેણે સન્માનિત કરી હતી. એ દરમ્યાન અનુષ્કાએ કહ્યું કે ‘હું મારી લાઇફ જે પ્રકારે જીવું છું એમાં હું ખુશ છું. એક ઍક્ટર, પબ્લિક ફિગર, એક મમ્મી અને એક વાઇફ તરીકે મારે એ કોઈને સાબિત કરવાની પણ જરૂર નથી. મને જેમાં ખુશી મળે એ વસ્તુઓ મારે કરવી છે. જે વસ્તુ મને યોગ્ય લાગે છે હું એ કરું છું. મારી જાત માટે કોઈ પ્રમાણપત્રની મારે જરૂર નથી.’