નવીદિલ્હી, દિલ્હી પોલીસના બે ઈન્સ્પેક્ટરનું માર્ગ અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું છે. આ અકસ્માત હરિયાણાના સોનીપત જિલ્લામાં કુંડલી બોર્ડર પાસે થયો હતો. મૃતકોની ઓળખ ઉત્તર પશ્ચિમ જિલ્લા સ્પેશિયલ સ્ટાફમાં તૈનાત ઈન્સ્પેક્ટર દિનેશ બેનીવાલ અને આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત એટીઓ ઈન્સ્પેક્ટર રણવીર તરીકે થઈ છે.
આ અકસ્માત સોનીપત પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ૪૪ પર મોડી રાત્રે થયો હતો. પિયાઉ મણિયારીમાં એક કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં કારમાં મુસાફરી કરી રહેલા બે દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટરના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ કુંડલી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે બંનેના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. સોનીપત કુંડલી પોલીસ સ્ટેશન અકસ્માતની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.
દિલ્હી-એનસીઆર સહિત દેશના તમામ રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. આ દરમિયાન ધુમ્મસના કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે કાર દ્વારા ઘરની બહાર જઈ રહ્યા છો, તો સાવચેત રહો અને સ્પીડ ધીમી રાખો.