નવી દિલ્હી: સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ઓફિસમાં વ્યક્તિ ૫-૧૦ મિનિટ મોડી આવે તો કોઈ મોટો મુદ્દો બનતો નથી. પરંતુ કોઈ મહત્વના પદ પર બેઠેલી વ્યક્તિ ૧૦ મિનિટ મોડી આવે અને તેના માટે માફી માગે તો તે વાત ઘણી મહત્વની ગણાતી હોય છે. આ ઘટના દેશની સર્વોચ્ચ અદાલતમાં બની છે કે જ્યાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડૉ. ધનંજય યશવંત ચંદ્રચુડ ૧૦ મિનિટ મોડા આવવા પર મોટું દિલ રાખીને માફી માગી લીધી હતી.
ચીફ જસ્ટિસ સમયનું ચુસ્ત રીતે પાલન કરે છે અને લોકો પણ આમ કરે તેવું તેઓ માને છે. સીજેઆઈ દ્વારા મોડા આવવા પર માફી માગી તે ઘટના થોડા દિવસ પહેલા બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
ધ વીકના રિપોર્ટ મુજબ, એક દિવસ ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કોર્ટમાં ૧૦ મિનિટ મોડું આવવા બદલ માફી માગી હતી. રિપોર્ટ મુજબ કહેવાઈ રહ્યું છે કે તેમણે કોર્ટમાં હાજર તમામ લોકોની માફી માગી હતી. સીજેઆઈએ કહ્યું, ક્ષમા કરજો, હું સાથી જજો સાથે કંઈક ચર્ચા કરી રહ્યો હતો.. માટે મોડું થઈ ગયું. સુપ્રીમ કોર્ટમાં કોઈ જજ દ્વારા આટલું મોડું થવા પર માફી માગવી તે સામાન્ય વાત નથી.
અલ્હાબાદ હાઈકોર્ટના સેનાનિવૃત જજ જસ્ટિસ પ્રદીપ કુમાર સિંહે એક મીડિયા સમૂહને આપેલા નિવેદનમાં જસ્ટિસ ચંદ્રચુડને યાદ કરીને કહ્યું છે કે તેઓ ઘણાં અનુશાસિત છે અને કાયદાનું સખત રીતે પાલન કરે છે. તેઓ બીજાને પણ સમયનું પૂરતું યાન રાખીને કોર્ટમાં આવે તેવી આશા રાખે છે. જસ્ટિસ ચંદ્રચુડના સાથી જજ પણ કહે છે કે તેમને સાચી વાત કહેવામાં જરાય ખચકાટ થતો નથી અને હસતા મોઢે સાચી વાત કહે છે. તેમની આ ખાસિયત છે કે જે તેમને સૌથી અલગ અને સરળ મિજાજના વ્યક્તિ બનાવે છે.