અમદાવાદના બોપલમાં 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. બર્થડે પાર્ટીમાં દીકરાને જવા માટે પિતાએ મર્સિડીઝ કાર આપી હતી. જેનાથી એક નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે પહેલા સગીર સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હવે બિલ્ડર મિલાપ શાહ પોલીસની કસ્ટડીમાં આવી ગયો છે.
મિલાપ શાહને આંબલી રોડ પરથી સ્વિફ્ટ કારમાંથી ઝડપી પાડ્યો
ગ્રામ્ય હેડ ક્વાર્ટર SP મેઘા તવારે જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બરે કિશોરે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ કિશોરને નજરકેદ કર્યો હતો. પિતા જાણતા હતા કે, સગીર છે છતાં ગાડી આપી હતી. બીએનએસની કલમ 105નો ઉમેરો કર્યો છે. બીએનએસ કલમ 183 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે. કારચાલક કિશોર સામે એમવી એક્ટ કલમ 181નો ઉમેરો કરવામાં આવ્યો છે. કિશોરના પિતા આરોપી મિલાપ શાહ સામે MV એક્ટ કલમ 199નો ઉમેરો કરવામાં આવ્યો છે. કિશોરના નિવેદનમાં જાણવા મળ્યું કે, કિશોર પિતા મિલાપ શાહની મંજુરીથી ગાડી લઈ નિકળ્યો હતો. કિશોરે કબૂલ્યું છે કે, તેને કારથી એક વ્યક્તિને ઉડાવ્યો છે. આરોપી મિલાપ શાહની ધરપકડ થવાની હોવાથી આરોપી ઘરેથી નાસી ગયો હતો. 2 દિવસ સુધી એકલો મિત કેમિકલ ફેક્ટરીમાં છુપાયો હતો. ત્યાથી પરિવારના અલગ અલગ સભ્યોના ઘરે છુપાતો હતો. આરોપીની આંબલી રોડ પરથી સ્વિફ્ટ કારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ત્રણ દિવસમાં રિમાન્ડ માટે કોર્ટમાં માગણી કરવામાં આવશે.
બોપલમાં પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર હંકારી સિક્યોરિટી ગાર્ડ ગોવિદસિંગને કચડી નાખી મોતને ઘાટ ઉતારનાર 17 વર્ષીય સગીરને બીબીએ પ્રથમ વર્ષની પરીક્ષા હોવાથી જુવેનાઇલ કોર્ટે વચગાળાની જામીનમુક્તિ સાથે 24 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. એન. નિમાવતે તથ્ય પટેલ અને વિસ્મય શાહ વિરુદ્ધ લાગેલી બીએનએસ-105 (સદોષ માનવવધ) કલમ ઉમેરવા પોલીસની અરજી ગ્રાહ્ય રાખવાનો આદેશ કર્યો હતો. સગીરના પિતાએ કારની ચાવી આપી બેદરકારી દાખવી હોવાથી તેમની સામે ગુનો નોંધવાની કલમ ઉમેરવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં પોલીસે સગીરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો. સગીર તરફે વચગાળાની કરેલી જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે, સગીર બીબીએના પ્રથમ વર્ષમાં ભણે છે. તેની પરીક્ષા હોવાથી વચગાળાના જામીન આપવામાં આવે. આથી કોર્ટે સગીરના ભાવિને ધ્યાને રાખી 24 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીનનો આદેશ કર્યો હતો.