
મુંબઇ, મરાઠા સમુદાયે હવે અનામતની માંગ સાથે લોક્તાંત્રિક રીતે લડવાનું નક્કી કર્યું છે. મરાઠા નેતાએ લોક્સભાની ચૂંટણીમાં દરેક ગામમાંથી એક ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે, જેથી હજારો ઉમેદવારો ચૂંટણીમાં નામાંકન દાખલ કરે અને ચૂંટણી ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા યોજવામાં આવે.
છેલ્લા કેટલાક મહિનાઓથી મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા આરક્ષણની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ પછી મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને અલગથી દસ ટકા અનામત આપી. પરંતુ આ નિર્ણયને મનોજ જરાંગે પાટીલે ફગાવી દીધો હતો. તેમણે કુલ અનામતના ૫૦ ટકામાંથી ૧૦ ટકા અનામતની માંગ કરી હતી.
આંદોલન બાદ મરાઠા સમુદાયે લોક્સભા માટે નવી રણનીતિ તૈયાર કરી છે. ઉમેદવારોને નોમિનેશન આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મરાઠા સમુદાયે તાજેતરની બેઠકમાં આ નિર્ણય લીધો છે. મનોજ જરાંગેની મુલાકાત બાદ ધારાશિવમાં મરાઠા સમાજ દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી છે. મરાઠા સમુદાયે ધારાશિવ લોક્સભા ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે દરેક ગામમાં એક-એક ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાવરગાંવમાં બેઠક યોજીને ગામમાંથી ત્રણ ઉમેદવારોને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવાયો છે. જો કે મનોજ જરાંગે પાટીલે ચૂંટણી લડવાનો ઈક્ધાર કરી દીધો છે.ઓબીસી કેટેગરીમાંથી અનામત મેળવવા માટે મરાઠા સમુદાય આક્રમક બન્યો છે. લોક્સભા ચૂંટણીમાં મરાઠા સમુદાય દ્વારા લોકશાહી ઢબે વહીવટીતંત્રને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસો કરવામાં આવશે.
આ માટે ધારાશિવમાંથી ૧ હજાર ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. જો ૩૮૪ થી વધુ ઉમેદવારો ઉભા હોય તો ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવી પડશે. જો મરાઠા સમુદાયમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવશે તો ધારાશિવમાં વહીવટીતંત્રે અલગ રીતે તૈયારી કરવી પડશે.