
ડાંગ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે સાપુતારામા ગુજરાતની બસો થોબી દેવાની ફરજ પડી છે. એસટી વિભાગના આ નિર્ણયના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા છે . ઉલ્લેખનીય છે કે ડાંગ તરફથી નાસિક -શિરડી અને તે તરફના રુટ પર બંને રાજ્યના લોકો મોટી સંખ્યામાં અવર-જ્વર કરતા હોય છે.
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવામાં આવી રહી છે. સરકારી બસોને થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત રાજ્યની બસોને મહારાષ્ટ્રમા જતી અટકાવી દેવામાં આવી છે. સુરત ડેપો મેનેજરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનના કારણે ગુજરાત થી મહારાષ્ટ્રમા જતી બસોને સાપુતારા નજીક અટકાવી દેવામાં આવી છે તો સાથે આગળ આદેશ સુધી બસ આગળ ન ધપાવવા પણ સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમા મરાઠા આંદોલનની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે . સત્તાવાર આંકડા મુજબ સોમવારે સાંજ સુધીના મહારાષ્ટ્ર રાજ્યમા ૧૩ બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એસટી તંત્રએ વધુ નુકસાન અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. વિભાગ અનુસાર આંદોલનની સૌથી વધુ અસર જે વિસ્તારોમાં જોવા મળી રહી છે તેવા 30 ડેપો સદંતર બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. વિપરીત પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ગુજરાતની બસો મહારાષ્ટ્રમા જતી અટકાવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના મહારાષ્ટ્ર સાથે નર્મદા જિલ્લાની સરહદ પણ જોડાય છે. નર્મદા જિલ્લાના ડેપો મેનેજર દ્વારા પણ નાસિક તરફ જતી બસ સાપુતારા સુધી ચલાવવાની સૂચના આપી આ બસ મહારાષ્ટ્રમાં ન લઈ જવા ચાલકને જણાવ્યું છે. મુસાફરોની સુરક્ષાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.