મરાઠા આરક્ષણ આંદોલન, એક દિવસમાં ૯ લોકોએ આત્મહત્યા કરી

મુંબઇ, મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગને લઈને શરૂ થયેલું આંદોલન હિંસક બની ગયું છે. તે મરાઠવાડાના ૮ જિલ્લામાં ફેલાઈ ગયો છે.બીજી તરફ આંદોલનના નેતા મનોજ જરાંગે સમગ્ર દેશમાં આંદોલન ફેલાવવાની ચેતવણી આપી છે. જરાંગેએ કહ્યું હતું કે સરકારે વિશેષ સત્ર બોલાવીને અનામત અંગે નિર્ણય લેવો જોઈએ અને જો તેમ નહીં કરે તો હું પાણી પણ છોડી દઈશ.

મળતી માહિતી અનુસાર,સરકાર હંગામો રોકવા અને મરાઠા આરક્ષણ પર વટહુકમ લાવવા માટે વિશેષ સત્ર બોલાવી શકે છે. દરમિયાન વિરોધીઓએ મંગળવારે જાલનામાં પંચાયત બોડી ઓફિસને આગ લગાવી દીધી હતી. બીડ બાદ ધારાશિવમાં પણ વહીવટીતંત્રે કર્ફ્યુ લગાવી દીધો છે. બીડમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જાલના શહેરમાં છેલ્લા ૧૨ કલાકમાં ૩ યુવકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

મહારાષ્ટ્રમાં ગઈ કાલે એક જ દિવસમાં એક મહિલા સહિત કુલ ૯ લોકોએ મરાઠા આરક્ષણની માંગ સાથે આત્મહત્યા કરી હતી. ૧૯થી ૩૧ ઓક્ટોબર સુધીના ૧૩ દિવસમાં મરાઠા સમાજના ૨૬ લોકોએ આત્મહત્યા કરી છે.આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે અમારે પૂર્ણ અનામત જોઈએ છે, અડધી નહીં. ગમે તેટલું બળ આવે, આ વખતે મરાઠાઓ અટકશે નહીં.

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરે છે. તેમને કોણ ઉશ્કેરે છે? સરકાર આ તરફ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુંબઈમાં મરાઠા આરક્ષણને લઈને કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેમણે સરકારને કહ્યું કે અનામત માટે કોઈ રસ્તો કાઢો, અમે તમારી સાથે છીએ.