મુંબઇ, શાહિદ કપૂર પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરવાનું ભાગ્યે જ પસંદ કરે છે. જો કે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કેટલીક અણઘડ વાતોનો પર્દાફાશ કર્યો છે. શાહિદે કહ્યું કે તેને ઉછેરવામાં તેની માતા નીલિમા અઝીમનો જ અહમ રોલ રહ્યો હતો. શાહિદે કહ્યું કે જ્યારે કોઈ તેને નેપોટિઝ્મની પ્રોડક્ટ કહે છે ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગે છે. શાહિદના કહેવા પ્રમાણે, તેમની સફળતામાં પિતા પંકજ કપૂરનું કોઈ યોગદાન નથી. શાહિદ કહે છે કે ’આજે તેમણે જે પણ નામ કમાવ્યું છે તે તેની પોતાની મહેનત અને સમર્પણને કારણે છે.’
શાહિદે કહ્યું કે બે દાયકા પહેલાં જ્યારે તેમણે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું ત્યારે લોકો તેને નેપોટિઝમની પ્રોડક્ટ કહેતા. હાલમાં જ બોલિવૂડ બબલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શાહિદે કહ્યું, હું સેલ્ફ મેડ સ્ટાર છું. લોકોને લાગે છે કે જો મારા પિતાનું નામ પંકજ કપૂર હોત તો મારા માટે ઇન્ડસ્ટ્રીનો રસ્તો આસાન બની ગયો હોત. તે બિલકુલ એવું નથી.
તમને હજુ મારા સંઘર્ષની ખબર નથી. મારા પિતા પણ મારી સાથે રહેતા ન હતા. હું મારી માતાની દેખરેખ હેઠળ મોટો થયો છું. તેમણે ક્યારેય મને કોઈની ભલામણ કરી નથી. મેં પણ તેમની પાસે ક્યારેય મદદ માંગી નથી.
શાહિદે કહ્યું કે ’તેમની માતા નીલિમા અઝીમે તેમને અને તેમના સાવકા ભાઈ ઈશાન ખટ્ટરને એકલા હાથે ઉછેર્યા હતા. નીલિમા અઝીમે કુલ ત્રણ લગ્ન કર્યા છે. પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા જે ૧૯૭૯ થી ૧૯૮૪ સુધી ચાલ્યા હતા. આ બંનેને ત્યાં શાહિદનો જન્મ થયો હતો. આ પછી, ૧૯૯૦માં તેમણે અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા.’
આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં અને ૨૦૦૧માં તેમના પણ છૂટાછેડા થઈ ગયા. જોકે ત્યાં સુધીમાં ઈશાન ખટ્ટરનો જન્મ થઈ ચૂક્યો હતો. નીલિમાએ રઝા અલી ખાન નામના તબલાવાદક સાથે ૨૦૦૪માં ત્રીજા લગ્ન કર્યા. આ લગ્ન પણ ૨૦૦૯માં તૂટી ગયા હતા.
શાહિદે જણાવ્યું કે તેમની માતાએ તેમનો અને ઈશાનનો ઉછેર કેવી રીતે કર્યો. તેમણે કહ્યું, તેઓ ખૂબ જ પ્રેમાળ છે, તેમણે મારો અને ઈશાનનો ઉછેર કર્યો છે. તેમણે જે પણ કર્યું છે, અમે તેમનું ૠણ ક્યારેય ચૂકવી શકશું નહીં. તે અમારા માટે ઢાલ સમાન રહી છે. સારું, મને આ બધી બાબતો વિશે વાત કરવાનું પસંદ નથી, મને નથી લાગતું કે બધું શેર કરવું જોઈએ. આપણે બધા એકબીજા માટે ઊભા છીએ, તે ચાવી હોવી જોઈએ.