મારા મમ્મી કરે એ મારે પણ કરવાનું?:સગીરાએ કહ્યું- મારી મરજીથી આવી છું, મામા અડધી રાત્રે કસ્ટમર લઈને આવ્યા હતા; માતાએ કહ્યું- દીકરીનું બ્રેઇનવોશ કર્યું હોવાની શક્યતા છે

રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક વિરુદ્ધમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ 24 ફેબ્રુઆરીના નોંધાઈ હતી, ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ સગીરાનો વીડિયો સામે આવ્યો છે. એમાં સગીરાએ માતા અને મામા સામે ગંભીર આરોપ લગાવ્યા છે તેમજ પોતે પોતાની મરજીથી સાહિલ સાથે આવી હોવાનું જણાવ્યું છે, જોકે પરિવારે પુત્રીનું બ્રેઇનવોશ થયાનો વળતો આક્ષેપ કર્યો છે તેમજ સગીરાને તેના જ મામાએ સાહિલ સાથે વાત કરતા પકડી હોવાથી આરોપ લગાવતી હોવાનું તેની માતાએ જણાવ્યું હતું.

સાહિલ લલચાવીને દીકરીને ભગાડી ગયાનો માતાનો આક્ષેપ પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ટ્યૂશનમાં ગયેલી 15 વર્ષની સગીરા ભેદી રીતે ગુમ થતાં પ્રદ્યુમ્નનગર પોલીસે અજાણ્યા શખસ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે સગીરાની માતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ આવી તેની દીકરીને પડધરીનો સાહિલ નામનો શખસ ભગાડી ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પુત્રી ટ્યૂશનમાં ગઈ બાદ ગુમ થઈ છે, જેથી પૂરી શંકા છે કે તેમની ભાઈની હોટલમાં કામ કરતો પડધરીનો સાહિલ જ તેને લલચાવીફોંસલાવી દીકરીને ભગાડી ગયો છે. સાહિલ ઘણીવાર ઘરે આવતો હોવાથી તેના પરિચયમાં આવ્યો હતો તેમજ દીકરીએ મેસેજ કરીને પોતે સાહિલ સાથે હોવાનું જણાવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

મારા મમ્મી કરે એ મારે પણ કરવાનું? 25 ફેબ્રુઆરીના રોજ ગુમ સગીરાએ સાહિલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે હું મારી મરજીથી જ સાહિલ સાથે આવી છું. મારા મામા અડધી રાત્રે કસ્ટમર લઈને આવ્યા હતા અને મેં ના પાડી તો મને મારીને કાઢી મૂકી હતી. આખા રાજકોટને ખબર છે કે મારાં મમ્મી શું ધંધો કરે છે. મારા મમ્મી કરે એ મારે પણ કરવાનું? હું ત્રણ વર્ષથી સાહિલને ઓળખું છું અને મારાં મમ્મીને પણ અમારી ખબર છે.

સગીરાનું બ્રેઇનવોશ કર્યું હોવાની શક્યતા છે: માતા બીજી તરફ, પુત્રીના વીડિયો અંગે માતાએ જણાવ્યું હતું કે સાહિલ સંધાર અગાઉથી પરિણીત છે અને તેના પર તેની જ પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો છે. 15 વર્ષની સગીરા પરિવાર વિરુદ્ધ થઈ જતાં બ્રેઇનવોશ કર્યું હોવાની શક્યતા છે. તેના મામા 8 દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યા છે અને તેમણે જ સાહિલ સાથે વાત કરતાં પકડી હોવાથી સગીરા ખોટા આરોપ લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ખરેખર સત્ય શું છે એ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.