થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશ ના ઈન્દોર શહેરમાં બીજેપી ધારાસભ્યના પૌત્રે આત્મહત્યા કરી હતી. તે એલએલબીનો વિદ્યાર્થી હતો. આપઘાત કરતા પહેલા એક ચિઠ્ઠી પણ છોડી હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. રાજગઢ જિલ્લાના ખિલચીપુરના ધારાસભ્ય હજારીલાલ ડાંગીએ તેમના ૨૧ વર્ષના પૌત્રની કથિત આત્મહત્યા પાછળ કોઈ વ્યક્તિના દૂષિત ઈરાદા અથવા માનસિક ત્રાસની આશંકા વ્યક્ત કરી છે. આ પછી, પોલીસે આ યુવકના મૃત્યુની સંપૂર્ણ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે અને તપાસ શરૂ કરી છે.
અધિકારીએ જણાવ્યું કે, ખિલચીપુરના બીજેપી ધારાસભ્ય હજારીલાલ ડાંગીના પૌત્ર વિજય ડાંગી ઉર્ફે વિકાસ (૨૧ વર્ષ)નો મૃતદેહ ૨૦ મેની રાત્રે ઈન્દોરના ગાંધી નગર વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિજયે કથિત રીતે ઝેરી પદાર્થ ગળીને આત્મહત્યા કરી છે. તેણે જણાવ્યું કે, ઈન્દોરની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાંથી એલએલબીનો અભ્યાસ કરી રહેલા વિજય ડાંગીએ કથિત આત્મહત્યા પહેલા એક પત્ર છોડી દીધો હતો, જેમાં તેણે લખ્યું હતું કે તેના મૃત્યુ માટે તે પોતે જ જવાબદાર છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યએ તેમના એક પ્રતિનિધિ દ્વારા પોલીસને એક અરજી મોકલી હતી, જેમાં તેમના પૌત્રના મૃત્યુ પાછળ કોઈ દ્વારા દૂષિત ઈરાદા અથવા માનસિક ત્રાસની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ અરજી પર ઈન્દોરના પોલીસ કમિશનર રાકેશ ગુપ્તાએ એડિશનલ પોલીસ કમિશનર રાજેશ દાંડોટિયાના નેતૃત્વમાં ૯ સભ્યોની એસઆઇટીની રચના કરી છે. દાંડોટિયાએ કહ્યું કે વિજય ડાંગીના મોતના કેસની તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે અમે આ મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરીશું અને દોઢ મહિનામાં રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કરીશું.